World Tribal Day 2023: આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા દર વર્ષે તા. 9મી ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં આદિજાતિ વસતી ધરાવતા 14 જિલ્લાના વિવિધ સ્થળો ખાતે મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.


મુખ્યમંત્રીની સાથે કોણ કોણ રહેશે હાજર


વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગુણસરા ગામ ખાતે કરવામાં આવશે. રાજ્યકક્ષાની ઉજવણીમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની પણ   ઉપસ્થિતિ રહેશે.


રાજ્યમાં આ સ્થળે પણ થશે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી


ડાંગ–આહવા ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, છોટા ઉદેપુર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, નર્મદા-ડેડીયાપાડામાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભરૂચ-ઝઘડીયામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, નવસારી-ગણદેવીમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, બનાસકાંઠા–દાંતામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ દાહોદના લીમખેડા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં આદિવાસી દિવસ ઉજવાશે.

આ ઉપરાંત વલસાડના કપરાડા ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, નર્મદા-નાંદોદમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, દાહોદ ખાતે પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, વલસાડના ધરમપુરમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા, નવસારી-વાંસદામાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, પંચમહાલના મોરવા-હડફમાં પશુપાલન રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તેમજ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર સહિત રાજ્યના વિવિધ સ્થળો ખાતે સંસદ સભ્યો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.