વલસાડ : વલસાડના સુગર ફેકટરી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બાઈક સ્લીપ થતા અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે. વલસાડના સુગર ફેકટરી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં મળતી માહિતી મુજબ વલસાડ હાઇવે ઉપર આવેલ વાંકી નદીના પુલ પાસે બની રહેલ VIMS HOSPITAL માં કામ કરતા 2 શ્રમિક પોતાની પલસર બાઈક નંબર - MP-11-ZJ-0258 લઇ ઘર વખરીનો સામાન લેવા જઈ રહ્યા હતા જે દરમિયાન સુગર ફેકટરી ઓવરબ્રિજની બાજુમાં સુરત થી મુંબઈ જતા માર્ગ પર તેમની બાઈક સ્લીપ થઈ જતા તેઓ ધડાકાભેર રસ્તા ઉપર પટકાયા હતા.
વલસાડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
બન્ને શ્રમિકોને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત ઘટના બનતા જ રાહદારીઓ તથા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક નજીકની હિલ ફર્સ્ટ હોસ્પિટલના સ્ટાફને ઘટનાની જાણ કરી સ્ટેચર મંગાવી બન્ને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન 24 વર્ષીય મધ્યપ્રદેશના રહેવાસી બાઈક ચાલક નારાયણ મંગુ મેઢાનું મોત નીપજ્યું હતું. જોકે બાઈક પર પાછળ સવાર 19 વર્ષીય ચમરા મેઢાને પણ ગંભીર ઇજા પહોંચેલ હોવાથી તેની સારવાર શરૂ કરાઈ હતી. સમગ્ર ઘટનાની જાણ પરિવારના સભ્યો તથા સાથી મિત્રોને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદના જમાલપુરમાં અકસ્માતમાં મહિલાનું મોત
અમદાવાદના જમાલપુર શાકમાર્કેટમાં અકસ્માતની ઘટના બની છે. અહીં શાકભાજી વેચતા ગીતા દંતાણીનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે આ અક્માતની ઘટનામાં અન્ય બે ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે ઇલેક્ટ્રોનિક ગાડી ચાલકની ગાડી દિવાલ સાથે અથડાઈ રિવર્સ લેતા એક્સીલેટર ઉપર પગ આવી જતા શાકભાજી વેચતા ગીતાબેન ઉપર ગાડી ચડી ગઈ અને ઘટના સ્થળે મોત થયું હતું. આ અકસ્માત સર્જનાર હાલ ગાયકવાડ પોલીસ સ્ટેશનને છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. કઈ રીતે અકસ્માતની ઘટના બની અને શું કારણ છે તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જમાલપુર વિસ્તારમાં બ્રિજ પાસે સવારે વૃદ્ધ દંપતીને કારે કચડયા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી. પહેલા બ્રિજની દિવાલ સાથે કાર ટકરાઈ હતી. દિવાલ સાથે ટકરાયા બાદ કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ કાર રોડની સાઈડમાં શાક વેચતા ફેરિયાઓ પર ફરી વળી હતી. પોલીસે કારચાલકની અટકાયત કરી છે.