બનાસકાંઠા: થરાદની નર્મદા કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી છે. ઢીમા પુલ પાસે કોઈ યુવકે કેનાલમાં ઝંપલાવતા ચકચાર મચી છે. ઘટનાના દિવસે યુવકની લાશ શોધવાનો ખુબ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. જો કે, બીજા દિવસે શોધખોળ બાદ મૃતકની લાશને કેનાલમાંથી બહાર કઢાઈ છે.  થરાદ ફાયર ફાઈટરે મેસેજ મળતા લાશને બહાર કાઢીને પરિવારને સોંપી છે. 22 વર્ષીય યુવકની કેનાલમાં છલાંગ લગાવવાનું રહસ્ય અકબંધ છે. હાલમાં હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું છે. યુવકના મોતની સાચી હકિકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.


સુરતમાં 15 ચપ્પુના ઘા મારી યુવકની હત્યા


સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગોટાલાવાડી ખાતે ૧૫થી વધુ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, ગોટાલાવાડી ખાતે ૧૫થી વધુ ઘા મારી યુવકની હત્યા કરનારો મિત્ર જ નીકળતા ચકચાર મચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બંને મિત્રો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ આવેશમાં આવી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જો કે બીજી એક વાત એ પણ સામે આવી છે કે, આરોપી વિનોદ ગોહિલે હત્યાના ત્રણ કલાક પહેલા કતારગામમાં પણ એક યુવકને છરી મારી હોવાની માહિતી મળી છે.


વરાછા ફુલપાડા ખાતે આવેલી વસાહતમાં રહેતો અવધેશ પ્યારેલાલ પટેલ મજૂરી કામ કરે છે. અવધેશનો નાનો ભાઈ બ્રિજેશ એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતો હતો. ગત તારીખ આઠમીએ ગોટાલાવાડીથી લાલ દરવાજા તરફ જતા રોડ પર પટેલ વાડી એસએમસી ઝોન ઓફિસના કમ્પાઉન્ડના ગેટ પાસેથી બ્રિજેશની લાશ મળી આવી હતી. મહેદરપુરા પોલીસની તપાસમાં બ્રિજેશની હત્યા તેના મિત્ર આરોપી વિનોદ ઉર્ફે વીકી મનોજ ગોહિલે કરી હતી.


બંને મિત્રો નશાખોર હતા. નશો કરી બંને મધરાત્રે બાઈક પર ગોટાલાવાડી તરફ જતા હતા ત્યારે તેઓ વચ્ચે રકઝગ થઈ હતી. જેથી બાઇક ઉભી રાખી ઉશ્કેરાટમાં આવી વિનોદે બ્રિજેશની15થી વધુ ચપ્પુના ઘા મારી રહેશી નાખ્યો હતો. વધુમાં આ ઘટનાના ત્રણ કલાક પહેલા વિનોદએ કતારગામમાં હરેશ બારૈયા નામના યુવકને પણ છરી મારી હતી. જે મામલે કતારગામમાં અલગથી ગુનો નોંધાયો હતો. કતારગામ પોલીસે વિનોદની ધરપકડ કરી હતી. હવે મહિધરપુરા પોલીસ આરોપીનો કબજો મેળવી વધુ તપાસ શરૂ કરશે.


સોનું લઈને છેતરપિંડી કરનાર આરોપીઓની સુરતમાંથી ધરપકડ


કર્ણાટકના કોલાર સિટીમાં કરોડો રૂપિયાની સોનાની છેતરપિંડી આચરનાર આરોપીઓની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દેવેશ દધિચી અને રૂપેશ શર્માની ધરપકડ કરી છે. હાલ સુરત ક્રાઈમબ્રાન્ચે બંન્ને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દેવેશ દધિચી અને રૂપેશ શર્મા કર્ણાટકના કોલાર સિટીમાં જ્વેલરીની દુકાન ધરાવતા હતા. તેઓ ગ્રાહકો પાસેથી સોનું ગીરવે લઈને નાણાં ધીરવાનું કામ કરતા હતા. બંને KGF ખીણમાંથી નીકળતું સોનું લઇને તેની ઉપર પોતાનું કમિશન લઇને દેશના અન્ય શહેરોના ગોલ્ડના વેપારીઓને વેચતા હતા.