અમરેલી: મોટા આંકડીયા ગામે વાડીના ઊંડા કૂવામાં પડી જતા યુવકનું મોત થયું છે. મૃતક યુવકની ઉંમર 31 વર્ષની હતી અને તેનું નામ કિશોર વિઠલભાઈ હિરપરા હતું. 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા યુવક મોતને ભેટ્યો હતો. આ અંગે મૃતકના પિતાએ ફાયર વિભાગને જાણ કરી હતી. જે બાદ અમરેલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 




ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહનું રેસ્ક્યુ કરાયું હતું. જે બાદ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.હાલમાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.યુવકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે.


વાલી માટે લાલબતી સમાન કિસ્સો


અમદાવાદ:  જો આપ બાળકોને રમકડા રમવા માટે આપો છો તો આ મામલે થોડી સાવધાની રાખવી જરૂરી છે. અમદાવાદમાં વાલીઓને માટે લાલબતી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. અહીં બાળકને રમકડાનો મોબાઇલ રમવા માટે આપવામાં આવ્યો હતો. મોબાઇલ રમતા રમતા તૂટી ગયો અને તેની અંદરની એલઇડી લાઇટ બાળક ગળી ગયું.



જેના પગલે બાળકને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થવા લાગી. પરિવાર તાબડતોબ બાળકને લઇને હોસ્પિટલ પહોંચ્યાં. હોસ્પિટલમાં સમગ્ર ઘટનાની જાણકારી આપતા બાળકનો એક્સરે કરવામાં આવ્યો, X-Ray દરમિયાન બાળકના ફેફસામાં પિન આકારનો પદાર્થ દેખાતા બાળકની તાત્કાલિક  સર્જરી કરવામાં આવી હતી અને  સદનસીબે 9 માસના બાળકનો જીવ બચી ગયો. આ ઘટના વાલીઓ માટે ચેતવણી સમાન છે.                                                                                                                                                     


 




ઉલ્લેખિયન છે કે આ પરિવાર મધ્યપ્રદેશના રતલામનો છે. અમદાવાદના પ્રવાસ દરમિયાન આ ઘટના ઘટી હતી તેથી તેમની અમદાવાદ  સિવિલ હોસ્પિટલમાં તેમની સફળ સર્જરી કરાઇ હતી.