Gujarat Weather :Gujarat Weather Update: હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના કેટલાક શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઇ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક હિટવેવની સ્થિતિ યથાવત રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક રાજ્યમાં હજુ પણ કાળઝાળ ગરમીની સ્થિતિ યથાવત રહેશે,.જો કે 24 કલાક બાદ 2થી4 ડિગ્રી તાપમાનમાં ધટાડો થઇ શકે છે. બેથી ચાર ડિગ્રી તાપમાનનો પારો ગગડતા ગરમીથી આંશિક રાહત અનુભવાશે.
હિટવેવની શક્યતાને જોતા હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરને ઓરેન્જ અલર્ટ આપ્યુ છે. આજે અને આવતીકાલે અમદાવાદને ઓરેન્જ એલર્ટ અને ત્યારબાદ યલો એલર્ટ આપ્યું છે. આગામી 24 કલાક બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.
રાજ્યમાં કેટલાક શહેરમાં તાપમાન 43 ડિગ્રીને પાર જતો લોકો ગરમીથી ત્રાહિમામ થઇ ગયા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, અમદાવાદ, જૂનાગઢ અને સુરતમાં હિટવેવના કારણે આકરા તાપથી લોકો પરેશાન છે.
તાપમાનનો પારો સતત ઊંચે જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. ગઇ કાલે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો પાટણમાં તાપમાન 44 ડિગ્રીને પાર ગયું હતું જેથી અમદાવાદ સુરેન્દ્રનગર પાટણ રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા. ગઇકાલે પોરબંદર અને દિવ સીવીયર હિટ વેવ ઝોનમાં રહ્યા હતા. જૂનાગઢ અને સુરતમાં હિટવેવની સ્થિતિ યથાવત રહી હતી.
મોખા વાવાઝોડાને કારણે પવનની દિશા બદલાતા તાપમાન વધ્યું હતું. મોખાની અસર ઓછી થતા અને પવનની દિશા બદલાતા હવે તાપમાન ઘટશે. આજે દિવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 43 ડિગ્રી પાર જશે.અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી પાર જવાની સંભાવના છે.
શનિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન
- પાટણમાં 45.3 ડિગ્રી તાપમાન
- . અમદાવાદમાં 44.4 ડિગ્રી
- સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી
- આણંદમાં 43.7 ડિગ્રી
- ગાંધીનગરમાં 43.5 ડિગ્રી
- વડોદરામાં 43.2 ડિગ્રી
- અમરેલીમાં 43.2 ડિગ્રી
- રાજકોટમાં 42.9 ડિગ્રી
- ડીસામાં 42.8 ડિગ્રી તાપમાન
- કેશોદમાં 42.7, ડિગ્રી
- ભૂજમાં 42.6 ડિગ્રી
સમગ્ર દેશમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે (14 મે)ના રોજ મોટાભાગના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહી શકે છે.
મે મહિનાની શરૂઆતમાં પડેલા વરસાદને કારણે ગરમીમાંથી રાહત અનુભવાઈ હતી. જો કે છેલ્લા અઠવાડિયાથી ગરમી કહેર મચાવી રહ્યી છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ગરમીએ રેકોર્ડ તોડી રહ્યો છે. વિભાગના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાષ્ટ્રીય રાજધાની સહિત મોટાભાગના રાજ્યોમાં રવિવારે (14 મે) ના રોજ હવામાનની પેટર્ન ફરી એકવાર બદલાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે (14 મે) દિલ્હીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ત્યાં વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે. આ ઉપરાંત, જોરદાર વાવાઝોડું અને ઝરમર વરસાદની સંભાવના છે. રાજસ્થાનના નાગૌર, જયપુર, ચુરુ, બિકાનેર, જેસલમેર, દૌસા, કરૌલી જિલ્લાઓ અને આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ તેજ પવન સાથે હળવા વરસાદની સંભાવના છે.