Delhi Rain: ગઈકાલની જેમ દિલ્હીમાં ફરી વરસાદ શરૂ થયો છે. NCRમાં પણ ભારે વરસાદનું વાતાવરણ છે. આકાશમાં ગાઢ વાદળો વચ્ચે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે. ગઈકાલે દિલ્હીમાં પડેલા મુશળધાર વરસાદે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. શનિવારે સવારે 8.30 થી સાંજના 5.30 વાગ્યા સુધીમાં 126.1 મીમી વરસાદ નોંધાયો હતો. માત્ર નવ કલાકના વરસાદને કારણે દિલ્હીનો પારો સામાન્ય કરતા આઠ ડિગ્રી સેલ્સિયસ ઓછો રહ્યો હતો.
હવામાન વિભાગનો અંદાજ છે કે, દિલ્હી-એનસીઆરના લોકોને વરસાદથી રાહત મળવાની આશા નથી. રવિવારે પણ ભારે વરસાદની આગાહી છે. વિભાગે રવિવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
પ્રાદેશિક હવામાન કેન્દ્ર, નવી દિલ્હી અનુસાર, દિલ્હીમાં શનિવારે મહત્તમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં આઠ ડિગ્રી ઓછું છે. લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું છે.
શનિવારે સવારે 8.30 વાગ્યા સુધી દિલ્હીમાં 3.4 મીમી વરસાદ નોંધાયો હતો. સાંજે 5.30 વાગ્યા સુધી 126.1 મિમી વરસાદ નોંધાયો હતો. અગાઉ 10 જુલાઈ 2003ના રોજ 24 કલાકમાં 133.4 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે 21 જુલાઈ 1958ના રોજ 266.2 મીમી વરસાદનો રેકોર્ડ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે સાંજે સૌથી વધુ 128 મીમી વરસાદ રીજ વિસ્તારમાં નોંધાયો છે. બીજી તરફ એનસીઆરની વાત કરીએ તો ગુરુગ્રામમાં 9.5 મીમી વરસાદ નોંધાયો છે.
દિલ્હીમાં વરસાદ, ઝાડ પડવાના 24 કેસ નોંધાયા, મિન્ટો રોડ કરાયો બંધ
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન અવિરત વરસાદને કારણે 15 મકાનો ધરાશાયી થયા છે, જ્યારે એક ઘરનો એક ભાગ ધરાશાયી થવાને કારણે 56 વર્ષીય મહિલાનું મોત થયું છે. પીડિતાની ઓળખ કરોલ બાગની રહેવાસી 56 વર્ષીય રણજીત કૌર તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ પહેલા તેના ક્વાર્ટરનો એક ભાગ પડી ગયો હતો. જ્યારે તે અંદર થોડો સામાન લેવા ગઈ તો બીજો ભાગ તેના પર પડ્યો. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ક્વાર્ટર જર્જરિત હાલતમાં હતું અને ભારે વરસાદને કારણે તૂટી પડ્યું હતું. તે જ સમયે, અવિરત વરસાદને કારણે, દક્ષિણ દિલ્હીના કાલકાજીમાં દેશ બંધુ કોલેજની દિવાલ પડી ગઈ, જેના કારણે ઘણી કારને નુકસાન થયું.