Oman currency value: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોર્ડન, ઈથોપિયા અને ઓમાનના પ્રવાસે હોવાથી આ દેશો સતત ચર્ચામાં રહ્યા છે. ભારતીયો માટે ઓમાન હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, અને તેનું મુખ્ય કારણ ત્યાંનું શક્તિશાળી ચલણ છે. દરેક દેશની કરન્સીનું મૂલ્ય અલગ હોય છે, પરંતુ ભારત અને ઓમાન વચ્ચેનો તફાવત આંખો પહોળી કરી દે તેવો છે. ભારતનું ચલણ 'રૂપિયો' છે, જ્યારે ઓમાનનું ચલણ 'રિયાલ' (OMR) છે. જો કોઈ ભારતીય ત્યાં જઈને સામાન્ય નોકરી પણ કરે, તો હૂંડિયામણના દરના તફાવતને કારણે તે પોતાના ઘરે મોટી રકમ મોકલી શકે છે.

Continues below advertisement

સૌથી રસપ્રદ વાત એ છે કે ઓમાનનું ચલણ માત્ર ભારતીય રૂપિયા કરતા જ નહીં, પરંતુ વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના ડોલર કરતા પણ મજબૂત છે. એક અંદાજ મુજબ, 1 ઓમાની રિયાલની કિંમત લગભગ 2.60 અમેરિકન ડોલર બરાબર થાય છે. એટલે કે, ડોલર પણ રિયાલની સામે વામણો પુરવાર થાય છે. આ મજબૂતીનું મુખ્ય કારણ ઓમાન પાસે રહેલો વિપુલ પ્રમાણમાં ક્રૂડ ઓઈલનો ભંડાર અને મજબૂત વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves) છે.

હવે વાત કરીએ ગણિતની, કે જે તમને કરોડપતિ બનાવી શકે છે. વર્તમાન વિનિમય દર મુજબ, 1 ઓમાની રિયાલની કિંમત ભારતીય રૂપિયામાં આશરે ₹236.13 જેટલી થાય છે. આ ગણતરી મુજબ, જો કોઈ વ્યક્તિ ઓમાનમાં 1,00,000 (એક લાખ) રિયાલની કમાણી કરે અથવા બચત કરે, તો ભારતીય રૂપિયામાં તે રકમ ₹2,36,13,000 (બે કરોડ છત્રીસ લાખથી વધુ) થાય છે. એટલે કે, ત્યાંના એક લાખ રિયાલ તમને ભારતમાં સીધા 'કરોડપતિ'ની શ્રેણીમાં લાવી દે છે.

Continues below advertisement

ઓમાનની આ આર્થિક સદ્ધરતા પાછળ કેટલાક ચોક્કસ પરિબળો જવાબદાર છે. પ્રથમ તો ઓમાનની વસ્તી પ્રમાણમાં ઓછી છે અને સામે માથાદીઠ આવક ખૂબ ઊંચી છે. બીજું, દેશનું અર્થતંત્ર મોટાભાગે તેલની નિકાસ પર નિર્ભર છે, જેના કારણે સરકાર પાસે આવકનો મોટો સ્ત્રોત છે. દેશ પર દેવાનો બોજ ઓછો હોવાથી અને નાણાકીય નીતિઓ સ્થિર હોવાથી રિયાલનું મૂલ્ય જળવાઈ રહે છે.

ભારત અને ઓમાન વચ્ચેના સંબંધોમાં ભારતીય ડાયસ્પોરા (પ્રવાસી ભારતીયો) નો ફાળો અમૂલ્ય છે. આંકડાઓ અનુસાર, ઓમાનમાં આશરે 7,00,000 જેટલા ભારતીયો વસવાટ કરે છે અને વિવિધ ક્ષેત્રોમાં રોજગારી મેળવે છે. ઓમાનમાં વસતો આ સૌથી મોટો વિદેશી સમુદાય છે. આ લોકો પોતાની મહેનતની કમાણી ભારતમાં મોકલે છે, જે ભારતીય અર્થવ્યવસ્થાને પણ વેગ આપે છે.

મજૂર વર્ગથી લઈને ઉચ્ચ વ્યવસાયિકો સુધીના ભારતીયો ઓમાનના વિકાસમાં ભાગીદાર બન્યા છે. ઓમાનના રિયાલની મજબૂતીને કારણે જ ભારતીય કામદારો માટે આ દેશ રોજગારીનું ઉત્તમ સ્થળ બની રહ્યો છે. જ્યારે તેઓ પોતાની કમાણી રૂપિયામાં કન્વર્ટ કરે છે, ત્યારે તેમને અનેકગણો ફાયદો થાય છે, જે તેમના પરિવારનું જીવનધોરણ સુધારવામાં મદદરૂપ બને છે.