Maha Kumbh Stampede: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ કાર્યક્રમ દરમિયાન બુધવારે રાત્રે અચાનક નાસભાગ મચી ગઇ. નાસભાગમાં 10 લોકોના મોત થયાની માહિતી મળી છે. હોસ્પિટલના અધિકારીઓએ આ દાવો કર્યો છે. જો કે, હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પહેલા મહાકુંભમાં નાસભાગના સમાચાર પર સ્પેશિયલ ઓફિસર આકાંક્ષા રાણાએ કહ્યું હતું - 'સંગમ માર્ગ પર કેટલાક બેરીકેડ તૂટવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લોકો ઘાયલ થયા છે. તેની સારવાર ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશમાં સ્થિત પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ બાદ યુપી સરકારને ટાંકીને એક સમાચાર સામે આવ્યા છે જેમાં તેની પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે. સરકારને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મેળા વિસ્તારમાં ગૂંગળામણને કારણે કેટલાક વૃદ્ધો અને મહિલાઓ બેહોશ થઈ ગયા હતા. તેમના પડ્યા બાદ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લગભગ 25-30 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે દસના મૃત્યુના અહેવાલ છે.
PM એ CM સાથે કરી વાત
આ ઉપરાંત મહાકુંભમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાવાના અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર બાદ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી અને મહાકુંભમાં નાસભાગની ઘટના અંગે ચર્ચા કરી અને સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી. પીએમએ વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી લીધી અને પીડિતોને તાત્કાલિક મદદ કરવાના નિર્દેશ આપ્યા છે.
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ કહ્યું, "આ ઘટનાથી અમે દુઃખી છીએ. અમારી સાથે હજારો ભક્તો હતા. જનહિતમાં અમે નિર્ણય લીધો છે કે અખાડાઓ આજે સ્નાનમાં ભાગ લેશે નહીં. હું લોકોને અપીલ કરું છું કે, સંગમ ઘાટ પર ડૂબકી લગાવાના આગ્રહને છોડીને લોકોએ જ્યાં જે ઘાટ નજીક હોય ત્યાં આસ્થાની ડૂબકી લગાવવી જોઇએ. લોકોના સંગમ ઘાટ આવવાના આગ્રહના કારણે ભીડ વધુ થઇ રહી છે. વહીવટીતંત્રનો દોષ નથી. કરોડો લોકોને હેન્ડલ કરવું સરળ નથી, આપણે અધિકારીઓને સહકાર આપવો જોઈએ.
મહા કુંભમાં બનેલી સેન્ટ્રલ હોસ્પિટલમાં ઘાયલોને લઈ જવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. તમામ ઘાયલોની સારવાર માટે ડોક્ટરોની આખી ટીમ હોસ્પિટલમાં હાજર છે. ઘાયલોને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાની પણ તૈયારીઓ થઈ રહી છે.