મોદી સરકાર 3.0 એ 100 દિવસ પૂરા કર્યા છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે સરકારના 100 દિવસના કામનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મોદી સરકારે વિશ્વમાં ભારતનું સન્માન વધાર્યું છે. સરકાર ગરીબોના હિતમાં સતત કામ કરી રહી છે. છેલ્લા 10 વર્ષમાં દેશની આંતરિક સુરક્ષા મજબૂત થઈ છે. તેમણે કહ્યું હતું કે  આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. દેશની ઘણી સંસ્થાઓએ તેમનો જન્મદિવસ સેવા પખવાડાના નામે ઉજવવાનો નિર્ણય કર્યો છે. 10 વર્ષમાં 15 દેશોએ વડાપ્રધાન મોદીને તેમનો સર્વોચ્ચ પુરસ્કાર આપીને વડાપ્રધાન મોદી જ નહી પરંતુ ભારતનું પણ ગૌરવ વધાર્યું છે.






PM મોદીને 15 દેશોએ સર્વોચ્ચ એવોર્ડથી કર્યા સન્માનિત


ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. દેશભરમાં ઘણી સંસ્થાઓએ તેમના જન્મદિવસને સેવા પખવાડા તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધીના 15 દિવસ સુધી દેશભરમાં જરૂરિયાતમંદોની સેવા પક્ષના કાર્યકર્તાઓ કરશે. એક નાનકડા ગામના ગરીબ પરિવારમાં જન્મેલા મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાન બન્યા. 10 વર્ષમાં દુનિયાના 15 અલગ-અલગ દેશોએ મોદીને તેમના દેશના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યા છે. આનાથી માત્ર વડાપ્રધાનનું જ નહીં પરંતુ દેશનું પણ ગૌરવ વધ્યું છે.






100 દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ થયા


તેમણે કહ્યું હતું કે , '60 વર્ષ પછી પહેલીવાર દેશમાં રાજકીય સ્થિરતાનું વાતાવરણ છે અને નીતિઓની સાતત્યનો પણ અમે અનુભવ કર્યો છે. 10 વર્ષ સુધી નીતિઓની દિશા, નીતિઓની ગતિ અને નીતિઓના સચોટ અમલીકરણ પછી 11માં વર્ષમાં પ્રવેશ કરવો ખૂબ જ મુશ્કેલ છે. આ 100 દિવસમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.






ગૃહમંત્રીએ ગણાવી સરકારની ઉપલબ્ધિઓ


100 દિવસમાં 3 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે અને તેના અમલીકરણની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના વઢવાનમાં 76 હજાર કરોડના ખર્ચે મેગા પોર્ટ બનાવવામાં આવશે, જે પ્રથમ દિવસથી જ વિશ્વના ટોચના 10 મોટા બંદરોમાં સામેલ થશે.


49 હજાર કરોડના ખર્ચે 25 હજાર ગામોને પાકા રસ્તાઓથી જોડવાની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના 100ની વસ્તી ધરાવતા ગામોને પણ જોડશે. મોદી સરકારે 50,600 કરોડના ખર્ચે ભારતના મુખ્ય રસ્તાઓનું વિસ્તરણ કરવાનું પણ નક્કી કર્યું છે.


અમે વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ, પશ્ચિમ બંગાળમાં બાગડોગરા, બિહારમાં બિહટા એરપોર્ટને અપગ્રેડ કરીને અને અગત્તી અને મિનિકોય ખાતે નવી હવાઈ પટ્ટીઓનું નિર્માણ કરીને પ્રવાસનને પ્રોત્સાહન આપવા આગળ વધ્યા છીએ. અમે આ 100 દિવસમાં બેંગલુરુ મેટ્રો, પુણે મેટ્રો, થાણે ઈન્ટિગ્રેટેડ રિંગ મેટ્રો અને અન્ય ઘણા મેટ્રોના પ્રોજેક્ટ્સને પણ આગળ ધપાવ્યા છે.


કૃષિ ક્ષેત્રે પીએમ કિસાન સન્માન યોજનાના 17મા હપ્તામાં 9.5 કરોડ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 12 કરોડ 33 લાખ ખેડૂતોને કુલ 3 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.