એક તરફ બિહારમાં કોરોનાને લઈને એલર્ટની સ્થિતિ છે. તો બીજી તરફ બોધગયામાં આયોજિત બૌદ્ધ નેતા દલાઈ લામાના શિક્ષણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા દેશોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં સમાચાર સામે આવ્યા છે કે અહીં સાત વિદેશી પ્રવાસીઓ કોરોના સંક્રમિત થયા છે. જે બાદ અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.


મળતી માહિતી મુજબ, 24 ડિસેમ્બરે ઘણા વિદેશી પર્યટકો બોધગયા પહોંચ્યા હતા. જેમાંથી એક ઈંગ્લેન્ડ અને 10 મ્યાનમાર અને બેંગકોકના છે. આ તમામ વિદેશી પ્રવાસીઓનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં સાત પ્રવાસીઓ કોરોના પોઝિટિવ જણાયા હતા. ગયાના સિવિલ સર્જન ડૉ. રંજન કુમાર સિંહે આ વાતની પુષ્ટી કરી છે. આ તમામ પ્રવાસીઓને હોટલમાં અલગ રાખવામાં આવ્યા છે.


એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે


ઉલ્લેખનીય છે કે શનિવારથી નવી માર્ગદર્શિકા હેઠળ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, અમદાવાદ, પુણે, ઈન્દોર અને ગોવા સહિતના એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે, જેમાં દરેક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં આવનારા મુસાફરોના બે સેમ્પલ લેવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે કહ્યું હતું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડના પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવશે. આ દેશોમાંથી ભારત આવતા મુસાફરોમાં તાવ કે કોરોના પોઝિટીવ હોવાના લક્ષણો જણાશે તો ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવશે.


2020 માં કોરોના મહામારીની શરૂઆતથી રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં 20,07,143 કેસ નોંધાયા છે. આ સાથે 26,521 મૃત્યુ નોંધાયા છે. નવેમ્બરના મધ્યથી દરરોજ પ્રાપ્ત થતા કેસોની સંખ્યા ઘટીને 20 થઈ ગઈ છે.


દેશમાં કોરોનાને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે


કેટલાક દેશોમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા દિલ્હીમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની સૂચના પર એરપોર્ટથી લઈને રાજધાનીની તમામ સરકારી હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. દિલ્હીના આરોગ્ય સચિવ અમિત સિંગલાએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક કરી અને તેમને હોસ્પિટલોની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો.


ચીનમાં કોરોના વાયરસના કારણે વિકટ પરિસ્થિતિ વચ્ચે હવે તેનો ખતરો વિશ્વભરના દેશો પર મંડરાઈ રહ્યો છે. ચીનની સાથે સાથે જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં પણ કોરોનાના કેસમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.