Chhattisgarh : છત્તીસગઢના જાંજગીરમાં શુક્રવારે બપોરે બોરવેલમાં પડેલા 11 વર્ષના બાળકને બચાવવા માટે 42 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું છે. ચંપા જિલ્લાના પિહરીદ ગામમાં 11 વર્ષનો રાહુલ સાહુ બોરવેલમાં પડી ગયો હતો, જેના પછી SDRF, NDRF, આર્મી અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ સતત બચાવ અભિયાન ચલાવી રહ્યાં  છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે બાળકનું બોરવેલમાં પડવું દુઃખદ છે. અમે તેને બચાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.


45 ફૂટ સુધી ખાડો ખોદવામાં આવ્યો
બોરવેલમાં પડેલા રાહુલને બચાવવા માટે અત્યાર સુધીમાં ઓક્સિજનના 20 સિલિન્ડર લગાવવામાં આવ્યા છે. આ 42 કલાક દરમિયાન રાહુલે 7 કેળા ખાધા અને જ્યુસ પીધો. બોરવેલમાં પડેલા રાહુલ સુધી પહોંચવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 45 ફૂટ સુધી ખાડો ખોદવામાં આવ્યો છે અને SDRF, NDRF, ARMY અને જિલ્લા પ્રશાસનના લોકો આ કામગીરીમાં લાગેલા છે. આશા છે કે આજે રાહુલને સુરક્ષિત બહાર લાવવામાં આવશે.






રાહુલ સુધી પહોંચવામાં અમને 5-6 કલાકનો સમય લાગી શકે છે
ભૂપેશ બઘેલે અગાઉ ટ્વીટ કર્યું હતું કે, ગઈકાલ સાંજથી બચાવ કામગીરી સતત ચાલી રહી છે. મળતી માહિતી મુજબ રાહુલ સુધી પહોંચવામાં અમને 5-6 કલાકનો સમય લાગી શકે છે. બાળકને કેળા અને જ્યુસ મોકલવામાં આવ્યા છે અને પરિવાર સાથે અવાજ દ્વારા પણ વાત કરવામાં આવી રહી છે, જેથી તેનું મનોબળ જળવાઈ રહે. અમે બધા તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ.


રાહુલ રમતા રમતા બોરવેલમાં પડ્યો - પિતા
કહેવામાં આવી રહ્યું છે કે બોરવેલની અંદર રાહુલની હિલચાલ જોવા મળી રહી છે અને સાથે જ તેમને સતત ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યો છે. છોકરાના પિતા લાલા રામ સાહુના કહેવા પ્રમાણે, થોડા સમય પહેલા તેણે ઘરના પાછળના ભાગમાં શાકભાજીના બગીચા માટે લગભગ 80 ફૂટ ઊંડો બોરવેલ ખોદ્યો હતો. જ્યારે બોરવેલનું પાણી બહાર ન આવતાં તેને બિનઉપયોગી છોડી દેવાયું હતું. શુક્રવારે રમતી વખતે રાહુલ આ સુકા, ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો.