નવી દિલ્હી: દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં આકાશી આફતથી તારાજી સર્જાઈ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જળતાંડવથી ચારેય બાજુ તબાહીનું તાંડવ સર્જાયુ છે. હિમાચલ પ્રદેશમાં પાંચ સ્થળોએ આભ ફાટતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મુશળધાર વરસાદ સાથે ક્યાંક ભૂસ્ખલનને લીધે 135થી વધુ રસ્તાઓ પણ બંધ થયા છે. હિમાચલના આનીના નિમંડ પર બે સ્થળે, કુલુના મલાણા, મંડીના થલુટખોડ, લાહોલના જાલહમા અને ચંબા જિલ્લામાં વાદળ ફાટતા ઠેર-ઠેર તારાજી જોવા મળી રહી છે.
અનેક મકાનો,સ્કૂલો અને હોસ્પિટલોમાં ભારે નુકસાન થયું છે. વાદળ ફાટ્યા પછી 52થી વધુ લોકો લાપતા છે. અનેક મકાનો તૂટી ગયા છે. વરસાદી તારાજીને લઈને સ્કૂલ કોલેજો પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અનેક રસ્તાઓ તૂટી જતા નાના ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. રાહત બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે. વાદળ ફાટવાથી મલામામાં એક ડેમના પાણી નજીકના ગામ અને લોકોના ઘરમાં ફરી વળ્યા છે. ડેમના પાણી ઘરમાં ઘુસી જતા લોકો નિરાધાર થયા છે.
બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે
હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદને લીધે 10થી વધુ લોકોના મોત પણ નિપજ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની 14 ટીમો યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરીમાં લાગ્યા છે. જે લોકોના ઘર વગરના થઈ ગયા છે તેમને રાહત છાવણીમાં આશરો આપવામાં આવ્યો છે. આ તરફ ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદે કહેર મચાવ્યો છે. જુદી જુદી ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયા છે.
મકાનો અને રસ્તાઓ તૂટી ગયા છે.ટિહરીમાં તિલવાડા પુલ પણ ધોવાઈ ગયો છે. સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. પથ્થરો પડવાથી 200થી વધુ પ્રવાસીઓ કેદારનાથ રૂટ પર ફસાયા છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં બુધવારે વરસાદે તબાહી મચાવી હતી. અહીં, અની સબ-ડિવિઝનમાં બાગીપુલ પૂરને કારણે 6 લોકો હજુ પણ લાપતા છે, જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. સાથે જ કુલ્લુથી મનાલી સુધીનો ફોર લેન બંધ છે. ઘણી જગ્યાએ ફોર લેનને નુકસાન થયું છે. કુલ્લુના મલાનામાં પાર્વતી નદી પર બનેલો બંધ તૂટવાને કારણે ભારે તારાજી સર્જાઈ છે.
અહીં NDRFની ટીમે ડેમની ટનલમાં ફસાયેલા 29 કર્મચારીઓને બચાવી લીધા છે, પરંતુ ચાર કર્મચારીઓ હજુ પણ અંદર ફસાયેલા છે. બીજી તરફ કુલ્લુ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદ ચાલુ છે. કુલ્લુમાં શુક્રવાર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.