છત્તીસગઢની રાજધાની રાયપુરના ભનપુરીમાં બુધવારે સ્પેસ જીમમાં કસરત (workout in gym) કરતી વખતે 17 વર્ષીય સગીરનું મોત થયું હતું. તે પોતાના રૂટીન મુજબ ટ્રેડમિલ પર દોડી રહ્યો હતો ત્યારે અચાનક તે બેભાન થઈ ગયો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.


ખમતરાઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એસએન સિંહે જણાવ્યું કે, 17 વર્ષીય સત્યમ રાહાંગડાલે ભનપુરીના ધનલક્ષ્મી નગરનો રહેવાસી છે. બુધવારે સવારે તે ડેઇલી રૂટીન અનુસાર જીમ ગયો હતો. તે જીમમાં ટ્રેડમિલ પર દોડી રહ્યો હતો, આ દરમિયાન તે અચાનક બેભાન થઈ ગયો અને નીચે પડી ગયો હતો.


જિમમાં હાજર સ્ટાફ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. હાલમાં મોતના કારણ અંગે માહિતી મળી શકી નથી. પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણી શકાશે.


ઘટના બાદ પરિવાર અંતિમ સંસ્કાર માટે સત્યમના મૃતદેહને મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના લાંજી લઈ ગયો હતો. પિતા સુભાષ રાહંગડાલે મસાલા વેચવાનું કામ કરે છે. સત્યમ બે ભાઈઓમાં મોટો છોકરો હતો. તાજેતરમાં તેણે 10મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી.


નોંધનીય છે કે એક મહિના પહેલા 18 એપ્રિલના રોજ જગદલપુર સિટી એસપી ટ્રેઇની IPS ઉદિત પુષ્કરની (32) જીમમાં વર્કઆઉટ કરતી વખતે તબિયત ખરાબ થઇ હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સારવાર બાદ તેની તબિયત સ્થિર થઈ હતી.