ઝારખંડના દેવઘર જિલ્લામાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી.  આ અકસ્માતમાં 18 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 20 લોકો ઘાયલ થયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત ગોડ્ડા-દેવઘર મુખ્ય માર્ગ પર મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમુનિયા વળાંક પાસે થયો હતો.

આ ઘટના મંગળવારે સવારે 5:30 વાગ્યાની આસપાસ બની હતી. માહિતી મળતાં મોહનપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રિયરંજન પોલીસ ટીમ સાથે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા મોહનપુર સીએચસી ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે આ અકસ્માતમાં 20થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બસના ટુકડા થઈ ગયા. સ્થાનિક ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે મારી લોકસભાના દેવઘરમાં શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રક અકસ્માતમાં 18 શ્રદ્ધાળુઓના મોત થયા છે. બાબા વૈદ્યનાથ તેમના પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

મુખ્યમંત્રી હેમંત સોરેને અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી હેમંત સોરેને અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે આજે સવારે દેવઘરના મોહનપુર બ્લોકમાં જમુનિયા ચોક પાસે બસ અકસ્માતમાં શ્રદ્ધાળુઓના મોતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્ય સાથે ઘાયલોને તબીબી સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે. બાબા વૈદ્યનાથ, અકસ્માતમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. દેવઘરને વૈદ્યનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં લાખો ભક્તો અહીં ભગવાન શિવની પૂજા કરવા અને પવિત્ર ગંગાજળ અર્પણ કરવા આવે છે. દેવઘરને દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે.