ભોપાલ: મધ્યપ્રદેશના રાજકારણમાં આજનો દિવસ કોંગ્રેસ માટે ખતરો બનીને ઉભર્યો છે, પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ પરિવારમાંથી આવનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની જ પાર્ટી કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ છે. સિંધિયાએ ખુદ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. સિંધિયાનો રાજીનામાનો લેટર પણ હાલ વાયરલ થઇ રહ્યો છે.


મધ્યપ્રદેશમાં કૉંગ્રેસ સરકારના 19 ધારાસભ્યોએ સ્પીકરને રાજીનામું આપી દીધું છે. રાજ્યમાં સિંધિયાની નજકીના 28 ધારાસભ્યોએ બગાવત કરી હોવાના રિપોર્ટ છે. તમામ ધારાસભ્યોએ સુરક્ષાની પણ માંગ કરી છે.


જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલાવેલા રાજીનામામાં કહ્યું, આ મારા માટે આગળ વધવાનો સમય છે. મારૂ માનવું છે કે કૉંગ્રેસમાં રહીને મારા રાજ્ય, દેશની સેવા નથી કરી શકતો.

ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા આજે સવારે દિલ્હીમાં અમિત શાહને મળ્યા અને બાદમાં પીએમ મોદી સાથે મીટિંગ કરી હતી. બાદમાં રાજીનામાનો નિર્ણય કર્યો હતો.

મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો છે અને વર્તમાનમાં 2 ધારાસભ્યોના નિધન થઇ ચૂક્યા છે, જેના કારણે વિધાનસભામાં 228 ધારાસભ્યો જ છે.

કોંગ્રેસની પાસે 114 ધારાસભ્યો છે, જ્યારે તેમને 2 બીએસપી (એક પાર્ટીમાંથી સસ્પેન્ડ) અને એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઉપરાંત 4 અપક્ષ ધારાસભ્યનુ સમર્થન મળેલુ છે. આવામાં કમલનાથ સરકારની પાસે 121 ધારાસભ્યનું સમર્થન છે.

બીજીબાજુ, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની પાસે 107 ધારાસભ્યો છે. 230 સભ્યોવાળી વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 116 ધારાસભ્યોનુ સમર્થન જરૂરી છે.