2000 Rupeess Currency Notes : ગઈ કાલે શુક્રવારે જ 19 મેની સાંજે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે ત્યારે લોકોના મનમાં અનેક સવાલો છે. આમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે, આ નોટો ક્યાં અને કેવી રીતે બદલાશે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે 23 મેથી દરેક નાગરિક દેશની કોઈપણ બેંકમાં જઈને 2000ની નોટ બદલી શકશે. પરંતુ દેશના અંતરિયાળ વિસ્તારોમાં બેંકોની સુવિધા નથી, આવી સ્થિતિમાં રિઝર્વ બેંકે ગ્રામીણ વસ્તી માટે ખાસ વ્યવસ્થા કરી છે.
આરબીઆઈની આ વિશેષ સુવિધાને કારણે ગામડાના લોકોને 2000ની નોટ બદલવા માટે શહેરોની બેંકો તરફ દોડવું નહીં પડે. તેઓ ગામડાઓમાં રહીને આ નોટો સરળતાથી બદલી શકે છે. ચાલો જાણીએ કે આ કેવી રીતે શક્ય બનશે.
ગ્રામજનો માટે બિઝનેસ કોરસપોન્ડન્ટ સેન્ટર પહોંચ્યા
બેંક સિવાય 2000ની નોટ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટર પર પણ બદલી શકાશે. આ કેન્દ્રો ગામડાઓ અને નાના શહેરોમાં આવેલા છે. જો તમે ગામમાં રહો છો, તો તમે બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટરની મુલાકાત લઈને 2000ની નોટ સરળતાથી બદલી શકો છો. રિઝર્વ બેંકે આ માહિતી 2000ની નોટો બદલવા અંગેના સામાન્ય પ્રશ્નોના જવાબમાં આપી છે.
બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટર એ બેંક શાખાની વિસ્તૃત શાખા છે જે ગામડાઓ અને નાના શહેરો જેવા બેંક વગરના વિસ્તારોમાં ગ્રાહકોને નાણાકીય અને બેંકિંગ સેવાઓ પૂરી પાડે છે. 2006માં આરબીઆઈએ બિન-બેંક મધ્યસ્થીઓ જેમ કે બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટર્સ અથવા બિઝનેસ ફેસિલિટેટર્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.
આરબીઆઈએ વિનિમય મર્યાદા નક્કી કરી
ભારતીય રિઝર્વ બેંકે કહ્યું હતું કે, ખાતાધારક એક દિવસમાં રૂ. 4000ની મર્યાદા સાથે બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટર દ્વારા રૂ. 2000ની નોટો એક્સચેન્જ કરાવી શકે છે. જો કે, આ માટે બેંક ખાતું હોવું જરૂરી છે જ્યારે કોઈપણ બેંક શાખામાં 2000 રૂપિયાની નોટ બદલવા માટે બેંક ખાતું હોવું જરૂરી નથી.
રિઝર્વ બેંકે કહ્યું છે કે, કોઈપણ નાગરિક 20,000 રૂપિયાની મર્યાદા સુધી કોઈપણ બેંકમાંથી એક સમયે 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. આ માટે બેંક ખાતું હોવું જરૂરી નથી. નોટો બદલવાની સિસ્ટમ મફત હશે અને આ માટે કોઈ વ્યક્તિએ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.