BJP National Executive Meeting: રાજધાની દિલ્હીમાં આજથી ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. આ બેઠક 16-17 જાન્યુઆરીના રોજ યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં ભાજપના નેતા રવિશંકર પ્રસાદે માહિતી આપી હતી. બેઠકમાં જેપી નડ્ડાએ વર્ષ 2023ને લઈને મહત્વની વાત કહી હતી. 


રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે સૌકોઈને આહ્વાન કર્યું કે, 2023 આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષે 9 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. તેમણે સૌકોઈને તૈયારીઓમાં લાગી જવાનું આહ્વાન કરતા કહ્યું હતું કે, આપણે એક પણ ચૂંટણી હારવાની નથી. તેમનો સ્પષ્ટ સંદેશ હતો કે, એક પણ રાજ્યની ચૂંટણી ન હારવી અને તમામ 9 રાજ્યોમાં જીત નોંધાવવી.


ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ બેઠકમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીની ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, ગુજરાતની જીત ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. હિમાચલની ચૂંટણી અંગે તેમણે કહ્યું હતું કે, અમારે સરકાર બદલવાની પરંપરા બદલવી હતી પરંતુ અમે તેમ કરી શક્યા નહીં. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, અધ્યક્ષ જેપી નડ્ડાએ અગાઉ પણ કહ્યું હતું કે, આપણે નબળા બૂથ જીતવા પડશે. દેશભરમાં 100 લોકસભા મતવિસ્તારોમાં 72 હજાર બૂથની ઓળખ કરવામાં આવી હતી જ્યાં ભાજપ નબળો હતો અને જ્યાં અમારે પહોંચવાનું હતું. પરંતુ આપણે 1 લાખ 30 હજાર બૂથ પર પહોંચ્યા અને પાર્ટીની નીતિઓનો ફેલાવો કર્યો.


તેમણે કહ્યું કે, દયાનંદ સરસ્વતીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે 13 ફેબ્રુઆરીએ વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સરસ્વતીજીના આદર્શોને અનુસરીને વડાપ્રધાનના નેતૃત્વમાં દેશના છેવાડાના વ્યક્તિને સશક્ત બનાવવાનું કામ કરવામાં આવ્યું છે. સ્પીકરે પીએમ મોદીના નેતૃત્વમાં રસીકરણ કાર્યક્રમનું ઉદાહરણ આપીને ન્યુ ઈન્ડિયાની કાર્ય સંસ્કૃતિને પણ ઉજાગર કરી હતી જેમાં 220 કરોડથી વધુ ડોઝ પૂરા પાડવામાં આવ્યા હતા.


રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ગુલામીના દુર્ભાગ્યપૂર્ણ ભૂતકાળને ખતમ કરીને અમે 75 વર્ષથી ચાલતા 'રાજપથ'ને બદલીને 'કર્તવ્ય પથ' બનાવી દીધું. આપણી પરંપરાઓ પર ગર્વ લઈ કાશી કોરિડોર બન્યો, મહાકાલ લોક બન્યો, કેદારનાથનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું. અને હવે રામ મંદિર બની રહ્યું છે. જેપી નડ્ડાએ એમ પણ કહ્યું હતું કે, ભારત બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આટલું જ નહીં આપણે દુનિયામાં મોબાઈલ ફોનના બીજા સૌથી મોટા ઉત્પાદક બની ગયા છીએ અને ભારતમાં વપરાતા 95%થી વધુ મોબાઈલ ફોન મેડ ઈન ઈન્ડિયા છે.


જેપી નડ્ડાએ મીટિંગમાં એ પણ પ્રકાશ પાડ્યો હતો કે, આપણે સેમી-હાઈ-સ્પીડ ટ્રેન બનાવી રહ્યા છીએ. અમારી ફિન-ટેક મૂવમેન્ટ હવે વિશ્વભરના 40% ડિજિટલ વ્યવહારોમાં ફાળો આપે છે. જે મેડ ઈન ઈન્ડિયા અને વિકસિત ભારત બનાવવા તરફનો અમારો સંકલ્પ દર્શાવે છે. વિકસિત ભારતનો આપણો સંકલ્પ સાકાર થતો જણાય છે. સંરક્ષણ સોદા આજે પૂરી ઈમાનદારી સાથે થઈ રહ્યા છે. 3600 કિલોમીટર સુધી બોર્ડર રોડ બનાવવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસના રક્ષા મંત્રી આમ કરવા જ નહોતા માંગતા.