નવી દિલ્હીઃ હરિયાણાના ભિવાનીના ડાડમ ખનન ક્ષેત્રમાં એક મોટી દુર્ઘટના થઇ છે. જ્યાં ખનન દરમિયાન પર્વત ધસી પડ્યો હતો. દુર્ઘટનામાં કાટમાળમાં દટાઈને ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે. કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વહીવટીતંત્રએ ઘટનાસ્થળ પર મીડિયા કર્મચારીઓના જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
પર્વત ધસી પડતા આઠથી 10 વાહનો દટાઇ ગયા છે. લગભગ 15 થી 20 લોકો દટાયા હોવાની આશંકા છે. તોશામ વિધાનસભા ક્ષેત્ર હેઠળનું ડાડમ ગામ ખનન કાર્યો માટે ઓળખાય છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ખાણકામમાં ઉપયોગમાં લેવાતાં કેટલાંક મશીનો પણ કાટમાળ નીચે દટાઈ ગયાં છે. લગભગ સવા આઠ વાગ્યે ખનન કાર્ય દરમિયાન પર્વતનો મોટો હિસ્સો અચાનક ધસી પડ્યો હતો. આ સાથે જ અહી કામ કરનારા અનેક મજૂરો દટાયા હોવાનના સમાચાર છે.
તંત્ર અને પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. NGTના આદેશ બાદ જ ભિવાનીમાં ખાણકામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શુક્રવારથી જ ખાણકામ શરૂ થયું હતું. એના બીજા જ દિવસે નવા વર્ષે અહીં પહાડોમાં તિરાડ પડી જવાથી દુર્ઘટના સર્જાતાં અનેક મજૂરો ઝપેટમાં આવી ગયા છે. પહાડ નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
એક અંદાજ અનુસાર 12થી વધુ મજૂરો દટાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળથી દૂર જ સામાન્ય લોકોને રોકવામાં આવી રહ્યા છે. બચાવ ટીમના રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકો છત્તીસગઢ અને રાજસ્થાનના મજૂરો છે. પથ્થરો નીચે કેટલા લોકો દટાયા છે એ હજુ સુધી જાણી શકાયું નથી. અનેક મજૂરો દુર્ઘટનાની ઝપેટમાં આવી ગયા છે.