Katra Landslide: જમ્મુ અને કાશ્મીરના કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિર પાસે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં 30 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન પછીના દિવસે આ મૃત્યુઆંક વધ્યો છે. આ વાતની પુષ્ટી રિયાસીના એસએસપી પરમવીર સિંહે કરી છે.

રિયાસીના એસએસપી પરમવીર સિંહે પુષ્ટી કરી હતી કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને ઘણા શ્રદ્ધાળુઓ તેમાં ફસાઈ ગયા હતા. દુર્ઘટના બાદ તરત જ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 30 પર પહોંચી ગયો છે.

વાસ્તવમાં મંગળવારે (26 ઓગસ્ટ) બપોરે લગભગ 3.00 વાગ્યે કટરાના અર્ધકુંવારી સ્થિત ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે ભૂસ્ખલનની મોટી ઘટના બની હતી. થોડી જ વારમાં 8 લોકોના મોતના સમાચાર આવ્યા જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સમય પસાર થવા સાથે મૃત્યુઆંક 30 પર પહોંચી ગયો હતો.  

ભૂસ્ખલન પછી રાહત અને બચાવ કાર્ય મોટા પાયે ચાલી રહ્યું છે. કાટમાળ નીચેથી લોકોને શોધીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ભારતીય સેના, CRPF અને NDRF ના જવાનો લોકોને બચાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની શક્યતા છે.

ઘણા પુલ તૂટી ગયા, વૈષ્ણો દેવી યાત્રા મુલતવી રાખવામાં આવી

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં ત્રણ પુલને નુકસાન થયું છે. ભૂસ્ખલનને કારણે માતા વૈષ્ણો દેવીની યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. જમ્મુમાં પઠાણકોટ નેશનલ હાઈવે પર ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ છે. ભારે વિનાશ વચ્ચે કઠુઆમાં રાવિ પુલનો એક ભાગ ધોવાઈ ગયો છે. સેનાના હેલિકોપ્ટર દ્વારા 22 CRPF સૈનિકો, 3 સ્થાનિક નાગરિકો અને CRPFના એક ડૉગને બચાવી લેવામાં આવ્યા છે.

જમ્મુમાંથી 5000 લોકોનું સ્થળાંતર

જમ્મુ વિભાગીય કમિશનર રમેશ કુમારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં જમ્મુ વિભાગમાંથી 5000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે વાદળ ફાટવાની કોઈ ઘટના નોંધાઈ નથી. વહીવટીતંત્ર, પોલીસ અને સેના એલર્ટ પર છે. ચિનાબ નદીનું પાણીનું સ્તર હજુ પણ વધુ છે. કેટલાક લોકો ચિનાબ નદીની આસપાસ ફસાયેલા છે, જેમના બચાવ માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સેનાએ માહિતી આપી હતી કે તેના સૈનિકોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સેનાએ કહ્યું હતું કે, "અમે સતત જીવ બચાવવા, જરૂરિયાતમંદોને મદદ કરવા અને નાગરિકોને સલામત સ્થળોએ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."