Pahalgam Terror Attack: પહેલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર ફાયરિંગ કર્યું હતું અને આ ઘટનામાં 27 લોકોના મોત થયા છે. સેનાની વર્ધીમાં આવેલા આતંકીઓએ પહેલગામની બૈસારન ઘાટીમાં પ્રવાસીઓને પહેલા તેમનો ધર્મ પૂછ્યો અને પછી ગોળી મારી હતી. 27 મૃતકોમાં 3 ગુજરાતીના પણ મોત થયા છે જ્યારે 2 વિદેશી નાગરિક પણ સામેલ છે. આ આતંકી હુમલા બાદ ડરનો માહોલ છે અને પર્યટકો ખીણ છોડીને ઘરે પરત ફરવા લાગ્યા છે.

 

6 કલાકમાં 3337 પ્રવાસીઓ ખીણ છોડી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પુષ્ટિ આપી હતી કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન ઓપરેટરોને હવાઈ ભાડામાં વધારો ન કરવા કડક સૂચનાઓ જારી કરી છે. બુધવારે, શ્રીનગરથી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી 20 ફ્લાઇટ્સ ચલાવવામાં આવી હતી, જેમાં કુલ 3,337 મુસાફરો હતા.

 મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પહેલગામ હુમલા બાદ કાશ્મીર ખીણ છોડી રહેલા પ્રવાસીઓ પર દુઃખ વ્યક્ત કર્યું છે

તેમણે લખ્યું કે, "ગઈકાલે પહેલગામમાં થયેલા દુ:ખદ આતંકવાદી હુમલા પછી આપણા મહેમાનોને ખીણ છોડીને જતા જોઈને ખૂબ જ દુઃખ થાય છે, પરંતુ તે જ સમયે અમે સંપૂર્ણપણે સમજીએ છીએ કે લોકો ખીણ કેમ છોડવા માંગે છે." "જોકે, DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વધારાની ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવા માટે કામ કરી રહ્યા છે." ઓમર અબ્દુલ્લાએ શ્રીનગર અને જમ્મુ વચ્ચે ટ્રાફિકને સરળ બનાવવાના નિર્દેશો આપ્યા છે જેથી પ્રવાસી વાહનોને ખીણ છોડવામાં મદદ મળી શકે. તેમણે એમ પણ કહ્યું કે આ સમયે ખીણમાં વાહનોની અવરજવરની મંજૂરી નથી.

ભારતીય ઉડ્ડયન મંત્રાલયે ખીણમાંથી પ્રવાસીઓને તેમના ઘરે પાછા ફરવાની માંગ પર એક એડવાયઝરી જારી કરી છે. જેમાં મંત્રાલયે કહ્યું છે કે પ્રવાસીઓની ઘરે પાછા ફરવાની માંગમાં અચાનક વધારો થવાને કારણે, તેમણે એરલાઇન્સને તાત્કાલિક વધારાની ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. મંત્રાલયે એરલાઇન્સને ટિકિટ રદ કરવા અથવા ફરીથી બુક કરવા બદલ કોઈ દંડ ન વસૂલવાનો નિર્દેશ આપ્યો છે.