5G Testing:  IIT મદ્રાસ ખાતે 5G કૉલ્સનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે 5G વોઈસ અને વિડીયો કોલ કર્યા હતા. ખાસ વાત એ છે કે સમગ્ર એન્ડ ટુ એન્ડ નેટવર્ક ભારતમાં ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ તેમના કુ અને ટ્વિટર એકાઉન્ટ પર 5જી કોલ ટેસ્ટિંગનો વીડિયો પણ શેર કર્યો છે. જુઓ આ વિડીયો 






અગાઉ, અશ્વિની વૈષ્ણવે બુધવારે કહ્યું હતું કે ભારતનું પોતાનું 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચર આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, વૈષ્ણવે કહ્યું કે ભારતનું સ્વદેશી ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર "વિશાળ માળખાકીય પ્રગતિ" દર્શાવે છે.


આ દરમિયાન, કેન્દ્રીય મંત્રીએ વિશ્વના દેશોને ભારતના સ્વદેશી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખર્ચ અને ગુણવત્તાના ફાયદાના સંદર્ભમાં સક્રિયપણે જોવાનો આગ્રહ પણ કર્યો. તેમણે એમ પણ કહ્યું હતું કે દુનિયામાં જ્યાં ટેકનોલોજી આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે ત્યાં ડિજિટલ વિભાજનને દૂર કરવું વધુ મહત્ત્વપૂર્ણ બની ગયું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર સર્વસમાવેશક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા તમામ પ્રકારના પગલાં લઈ રહી છે.





રોજગારીની તકો ઉભી થશે
બીજી તરફ, ટેલિકોમ સચિવ કે રાજારામને બુધવારે જણાવ્યું હતું કે 5G સેવાઓની રજૂઆત માટે નવી ટેક્નોલોજી માટે યોગ્ય કૌશલ્યની જરૂર પડશે, જે મોટા પાયે રોજગારીની તકોનું સર્જન કરશે.


રાજારામને ટેલિકોમ સેક્ટર સ્કીલ કાઉન્સિલ (TSSC) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારતનેટથી લઈને સ્પેસ ટેલિકોમ્યુનિકેશન્સ અને 5Gથી લઈને બ્રોડબેન્ડ સેવાઓ સુધીની નોકરીઓ મોટા પાયે ઉભી કરવામાં આવશે. તેમણે ઉદ્યોગોને આ ઉભરતી તકોનો લાભ લેવા માટે પ્રતિભાશાળી લોકોની 'પાઈપલાઈન' બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ આહ્વાન કર્યું હતું.