શહડોલઃ દેશમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. આ દરમિયાન ઘણા રાજ્યોમાં ઓક્સિજનની તંગી ઉભી થઈ છે. શહડોલ મેડિકલ કોલેજમાં પણ ઓક્સિજનની તંગી ઉભી થઈ છે. મોડી રાત્રે ઓક્સિજન ટેંકમાં ઓક્સિજન ખૂટી જતાં 6 દર્દીના કરૂણ મોત થયા હતા. લોકોના કહેવા મુજબ ઓક્સિજન ખૂટી જતાં દર્દીઓ તરફડિયા મારવા લાગ્યા હતા. સવાર થતાં જ એક એક કરીને 6 લોકોએ જીવ ગુમાવી દીધા હતા. જે બાદ હોસ્પિટલમાં હડકંપ મચી ગયો હતો.


મેડિકલ કોલેજના ડીન ડો. મિલિંદ શિરાલકરે પણ ઓક્સિજનની કમીના કારણે 6 લોકોના મોત થયા હોવાની વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું, હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે હાલ માત્ર અતિ ગંભીર દર્દીને જ ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.


આ પહેલા પણ બની હતી આવી ઘટના


આ પહેલા 15 એપ્રિલ જબલપુરમાં પણ ઓક્સિજન ખૂટી જતાં 5 દર્દીના મોત થયા હતા. આ તમામ વેંટિલેટર પર હતા. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે મધ્યપ્રદેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 59,183 છે. જ્યારે 3,20,955 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 4425 લોકોના મોત થયા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,61,500 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1501 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,38,423 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 47 લાખ 88 હજાર 109


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 28 લાખ 09 હજાર 643


કુલ એક્ટિવ કેસ - 18 લાખ 01 હજાર 316


કુલ મોત - 1 લાખ 77 હજાર 150


 12 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 12 કરોડ 26 લાખ 22 હજાર 590 ડોઝ આપવામાં આવ્યા છે.


કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.