7th Pay Commission: મોદી સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી આપવામાં આવી છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે તેને 42 ટકાથી વધારીને 46 ટકા કરવામાં આવ્યો છે.                          


કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને નરેન્દ્ર મોદી સરકારે દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. આ પછી તેમને મળતું ડીએ હવે 42 ટકાથી વધીને 46 ટકા થઈ ગયું છે. પહેલેથી જ એવી અપેક્ષા હતી કે કેન્દ્રીય કર્મચારીઓને આ વખતે પણ ચાર ટકા ડીએ વધારો મળી શકે છે. સરકારના આ નિર્ણયથી દેશના લગભગ 1 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે અને તેઓના પગાર અને પેન્શનમાં વધારો થશે.              


મોંઘવારી ભથ્થું 46 ટકા થયું


નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારો કર્યા બાદ હવે તે વધીને 46 ટકા થઈ ગયું છે. તેનો લાભ 1 જૂલાઈ, 2023થી મળશે. ડીએમાં વધારા સાથે કર્મચારીઓના પગારમાં પણ વધારો થયો છે. વર્ષ 2023 માટે સરકારે પ્રથમ સંશોધન કરતા 24 માર્ચ, 2023ના રોજ ડીએમાં વધારાની જાહેરાત કરી હતી અને તે પછી 1 જાન્યુઆરી, 2023થી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાનો લાભ મળી રહ્યો છે.               


કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થુ મહત્વનો રોલ ભજવે છે. સરકાર વર્ષમાં બે વખત ડીએમાં સુધારો કરે છે. જેનો લાભ તેમને 1લી જાન્યુઆરી અને 1લી જૂલાઈથી આપવામાં આવે છે. નોંધનીય છે કે દેશમાં લગભગ 52 લાખ કર્મચારીઓ કેન્દ્ર સરકાર હેઠળ કામ કરે છે અને 60 લાખ પેન્શનરો છે, જેમને સરકારના આ મોટા નિર્ણયથી ફાયદો થશે.       


ડીએ વધારા પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારાની વાત કરીએ તો જો કેન્દ્ર સરકારના કર્મચારીને 18,000 રૂપિયાનો બેઝિક પે મળે છે તો કર્મચારીનું મોંઘવારી ભથ્થું હાલમાં 42 ટકાના દરે 7,560 રૂપિયા છે, જ્યારે 46 ટકાના હિસાબે ગણીએ તો તે વધીને  8,280 રૂપિયા થશે. એટલે કે તેના પગારમાં સીધો 720 રૂપિયાનો વધારો થશે.