8th pay commission updates 2026: હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં 8મા પગાર પંચની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ મોંઘવારી ભથ્થા (DA) ને મૂળ પગાર (Basic Pay) સાથે મર્જ કરવાની અને વાર્ષિક ઈન્ક્રીમેન્ટ વધારવાની મોટી માંગ મૂકી છે. નાણાકીય નિષ્ણાતોના મતે, જો 8મા પગાર પંચમાં આ બે મુખ્ય માંગણીઓ સ્વીકારી લેવામાં આવે, તો નિયમિત પગાર વધારા અને DA ના સુધારાની સંયુક્ત અસરથી આગામી 7 વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓનો કુલ પગાર લગભગ બમણો થઈ શકે છે. આ દિશામાં આગળ વધતા, 8મા પગાર પંચ દ્વારા તાજેતરમાં વિવિધ રાજ્યોમાં પ્રાદેશિક બેઠકો અને પરામર્શનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે 3 નવેમ્બર, 2025 ના રોજ 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાને સત્તાવાર રીતે લીલી ઝંડી આપી હતી. આ પંચને દેશના 55 લાખથી વધુ કાર્યરત સરકારી કર્મચારીઓ અને આશરે 69 લાખ જેટલા પેન્શનરો (જેમાં નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ પણ સામેલ છે) ના પગાર, પેન્શન, ભથ્થાં, સેવાની શરતો અને અન્ય લાભોની સમીક્ષા કરીને પોતાની ભલામણો કરવા માટેની અગત્યની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રાદેશિક બેઠકોનો દોર ચાલુ
8મું પગાર પંચ અત્યારે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જઈને કર્મચારીઓ તથા સંગઠનો સાથે પ્રાદેશિક પરામર્શ કરી રહ્યું છે. આગામી બેઠકોનું શેડ્યૂલ નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે:
દિલ્હી: 7 અને 10 ઓગસ્ટ, 2026
ચેન્નાઈ: 7 અને 8 સપ્ટેમ્બર, 2026 (અપોઈન્ટમેન્ટ માટેની છેલ્લી તારીખ: 18 ઓગસ્ટ, 2026)
પુડુચેરી: 9 સપ્ટેમ્બર, 2026 (અપોઈન્ટમેન્ટ માટેની છેલ્લી તારીખ: 18 ઓગસ્ટ, 2026)
આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: 2.57 ફિટમેન્ટ ફેક્ટર રહેશે તો પટાવાળાથી અધિકારીઓનો પગાર કેટલો વધશે?
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કરી રહ્યા છે પંચનું નેતૃત્વ
8મા પગાર પંચના માળખાની વાત કરીએ તો, તેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે, જેઓ આ પંચના અધ્યક્ષ છે. તેમની સાથે પૂર્વ IAS અધિકારી પંકજ જૈન સભ્ય-સચિવ તરીકે અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય પ્રોફેસર પુલક ઘોષ સભ્ય તરીકે જોડાયેલા છે. આ આખું પંચ અંદાજે 50 લાખથી 55 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખથી 69 લાખ પેન્શનરોના જીવનધોરણને અસર કરતા મહત્વપૂર્ણ ફેરફારોની ભલામણ કરશે.
કર્મચારી સંગઠનો (NC-JCM) ની મુખ્ય માંગણીઓકર્મચારીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરતા સૌથી મોટા સંગઠન 'રાષ્ટ્રીય પરિષદ-સંયુક્ત સલાહકાર મશીનરી' (NC-JCM) એ પગાર પંચ સમક્ષ કેટલીક મોટી અને સ્પષ્ટ માંગણીઓ મૂકી છે.
જેમાં લઘુત્તમ મૂળ પગાર વધારીને સીધો ₹69,000 કરવાનું સૂચન કરાયું છે. આ ઉપરાંત, હાલમાં 7મા પગાર પંચ હેઠળ જે 3% વાર્ષિક ઈન્ક્રીમેન્ટ મળે છે, તેને વધારીને 6% કરવાની માંગ ઉઠી છે. અન્ય સંગઠનોએ પણ સમયાંતરે મોંઘવારી ભથ્થા (DA) ને મૂળ પગારમાં મર્જ કરવાની જોરદાર રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
પગાર બમણો થવાનું શું છે ગણિત?
મીડિયા રિપોર્ટ્સ અને આર્થિક વિશ્લેષણ મુજબ, જો 8મા પગાર પંચ હેઠળ DA મર્જર અને 6% ઈન્ક્રીમેન્ટ લાગુ કરવામાં આવે, તો ચક્રવૃદ્ધિ અસરથી પગારમાં જબરદસ્ત ઉછાળો આવશે. સામાન્ય રીતે જ્યારે મોંઘવારી ભથ્થું 50% નો આંકડો પાર કરે છે, ત્યારે તેને મૂળ પગારમાં સમાવી લેવાની માંગ તેજ બને છે. જો DA ને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે, તો કર્મચારીનો બેઝિક પગાર આપમેળે વધી જાય છે. બેઝિક પગાર વધતાની સાથે જ તેના પર આધારિત અન્ય ભથ્થાઓ જેવા કે HRA અને TA માં પણ સીધો વધારો થાય છે.
અત્યારે સરકારી કર્મચારીઓને દર વર્ષે 3% નો વધારો મળે છે. જો આ દર 6% થઈ જાય અને DA નિયમિતપણે મૂળ પગારમાં ઉમેરાતું રહે, તો પગાર વધારાની ઝડપ બમણી થઈ જશે. વધુ વાર્ષિક ઈન્ક્રીમેન્ટ અને DA મર્જરની આ સંયુક્ત અસર એક ચક્રવૃદ્ધિ પરિબળ તરીકે કામ કરશે, જેનાથી આગામી 7 વર્ષમાં જ કર્મચારીઓનો કુલ પગાર ડબલ થવાની પૂરેપૂરી સંભાવના છે.
ફિટમેન્ટ ફેક્ટર ભજવશે મુખ્ય ભૂમિકા
નવા પગાર પંચમાં પગાર નક્કી કરવા માટે 'ફિટમેન્ટ ફેક્ટર' બહુ મહત્વનો ભાગ ભજવે છે. જો ઇતિહાસનું પુનરાવર્તન થાય અને એક નવું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે, તો શરૂઆતના તબક્કાથી જ કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગારમાં મોટો વધારો જોવા મળશે. જોકે, આર્થિક નિષ્ણાતો સ્પષ્ટપણે જણાવે છે કે 7 વર્ષમાં પગાર બમણો થવાની આ ગણતરી માત્ર એક અંદાજ છે. વાસ્તવિક પગાર વધારો તો 8મા પગાર પંચની અંતિમ ભલામણો અને ત્યારબાદ કેન્દ્ર સરકાર તેને કેટલી મંજૂરી આપે છે તેના પર જ નિર્ભર રહેશે.
