રવિવારે ઓરિસ્સામાં ગંજામ જિલ્લાનાં ગોલંતારામાં ઉપરથી પસાર થઈ રહેલા વીજ તારની અડી જવાથી એક બસમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોનાં મોત નિપજ્યાં હતાં અને 22 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટના જોઈને લોકો ચોંકી ગયા હતાં. પોલીસે જણાવ્યું હતું કે, જંગલપાડુથી ચિકરાદા જઇ રહેલી બસ 11 કિલો વોટની વીજળી ટ્રાન્સમિશન લાઈનનાં સંપર્કમાં આવી ગઈ હતી જેના કારણે બસમાં આગ લાગી હતી અને લોકોને ભારે નુકસાન થયું હતું.

આ બસ સવાર થઈને લોકો બાજીના ગામમાં સગાઈના કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી જોકે સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે બસની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતાં. પોલીસ અને ફાયર બ્રિગેડનાં કર્મચારી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને તેમણે મુસાફરોને બચાવ્યા હતાં. ઈજાગ્રસ્તોને બ્રહ્મપુરની એમકેસીજી મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

ઓરિસ્સાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ તેમણે મૃતકોનાં પરિવાર માટે 2-2 લાખ રૂપિયાનાં વળતરની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મફત સારવાર કરાશે.

રાજ્યનાં પરિવહન મંત્રી પદ્મનાભ બેહરાએ પણ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને સંપૂર્ણ ઘટનાની ગંભીરતાથી તપાસ કરાવવામાં આવશે અને દોષિતોની વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને ઈજાગ્રસ્તોનાં સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. આ ઘટનાની તપાસ કરાવવાની માંગ કરતાં તેમણે કહ્યું હતું કે, ફરીવાર આવી ઘટના ના બને તે માટેનાં કડક પગલા ઉઠાવવામાં આવશે.