શુક્રવારે ફરી એકવાર રાજ્યસભામાં સરકારને સવાલ કરવામાં આવ્યો હતો કે લોકડાઉન દરમિયાન શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેના જવાબમાં સરકારે કહ્યું કે, 9 સપ્ટેમ્બર સુધીમાં કુલ 97 લોકોએ જીવ ગુમાવ્યો છે.
તૃણમૂલ કોગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયન દ્ધારા રાજ્યસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યુ કે, 9 સપ્ટેમ્બર સુધીમાં કુલ 97 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ 97 મોતમાંથી 87 મૃતદેહોને રાજ્ય પોલીસને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. સંબંધિત રાજ્ય પોલીસ તરફથી અત્યાર સુધીમાં 51 પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા છે. જેમાં મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ, હૃદયની બીમારી, બ્રેઇન હેમરેજ, કીડની અને લીવરની બીમારી ગણાવ્યું હતું.
આ અગાઉ મે મહિનામાં 80 શ્રમિકોના મોતની રિપોર્ટ સામે આવી હતી. રેલવે પ્રોટેક્શન પોલીસને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, 9 મેથી 27 મે વચ્ચે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનની અંદર 80 લોકોએ જીવ ગુમાવ્યો હતો.