Rajya Sabha Election: મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક અને પૂર્વ મંત્રી અનિલ દેશમુખને કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. મુંબઈની એક અદાલતે 10 જૂને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે એક દિવસ માટે જામીન માંગતી બંને નેતાઓની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે બુધવારે જામીન અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દેશમુખ અને મલિકની અરજીનો વિરોધ કરતા કહ્યું કે કેદીઓને જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ મતદાનનો અધિકાર નથી.


NCPના બંને વરિષ્ઠ નેતા દેશમુખ અને મલિક હાલમાં મની લોન્ડરિંગના જુદા જુદા કેસમાં જેલમાં છે. બંનેએ ગયા અઠવાડિયે વિશેષ ન્યાયાધીશ આરએન રોકડે સમક્ષ અસ્થાયી જામીન માટે અરજી કરી હતી. બુધવારે તમામ પક્ષકારોએ આ જામીન અરજીની તરફેણમાં અને વિરૂદ્ધ તેમની દલીલો પૂર્ણ કરી હતી.


EDએ વિરોધ કર્યો


ઇડીએ કહ્યું હતું કે જામીન અરજી ફગાવી દેવાને લાયક છે. દેશમુખની નવેમ્બર 2021માં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. "અરજદાર (દેશમુખ) સીટિંગ ધારાસભ્ય હોવાના કારણે રાજ્યસભાના સભ્યની ચૂંટણી માટે ઇલેક્ટોરલ કૉલેજના સભ્ય છે. અરજદાર પોતાના મતના અધિકારનો ઉપયોગ કરવા અને પોતાનો મત આપવા ઈચ્છુક છે.


ઇડીએ વિશેષ અદાલતને જણાવ્યું હતું કે દેશમુખ તેની સામે નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય આરોપી છે અને નવેમ્બરમાં તેમની ધરપકડ બાદ હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. "વધુમાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ કેદીઓને મત આપવાનો અધિકાર નથી.


EDએ પણ આ જ આધાર પર મલિકની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. ED અનુસાર, દેશમુખે રાજ્યના ગૃહમંત્રી તરીકેના પદનો દુરુપયોગ કર્યો હતો અને કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ બારમાંથી 4.70 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા આ વર્ષે 23 ફેબ્રુઆરીએ મલિકની ધરપકડ કરવામાં આવી હતી.