લખનઉઃ રાજધાની લખનઉમાં પોલીસના સાયબર ક્રાઇમના હાથમાં એક એવો કેસ આવ્યો છે, જેના વિશે સાંભળીને અધિકારીઓ પણ ચોંકી ગયા. એક શખ્સે એક નહીં પરંતુ 10 હજાર છોકરીઓની તસવીરોને એડિટ કરીને અલગ અલગ સાઇટ પર મુકી દીધી છે.


શખ્સ પર આરોપ છે કે તે છોકરીઓને બ્લેકમેઇલ કરતો હતો, અને બાદમાં મોટી ખંડણી માંગતો હતો. ખાસ વાત છે કે આ આરોપી માત્ર 8 ધોરણ જ ભણ્યો છે. આરોપીએ આ ગુનાખોરીના આ દાંવપેચ યુટ્યૂબ વીડિયો જોઇને શીખ્યા હતા.

પોલીસ અનુસાર, આ છોકરો માત્ર આઠ ધોરણ ભણેલો છે, આ શખ્સ પહેલા છોકરી બનીને સોશ્યલ મીડિયા પર છોકરીઓ અને મહિલાઓની સાથે દોસ્તી કરતો હતો, બાદમાં તેની આઇડી હેક કરી લેતો હતો. આ પછી તેની પર્સનલ તસવીરો ચેટિંગમાંથી કાઢીને નગ્ન તસવીરોની સાથે એડિટ કરી દેતો હતો. આમ કર્યા બાદ આ તસવીરોને તે અશ્લીલ વેબસાઇટો પર અપલૉડ કરી દેતો હતો. ખાસ વાત છે કે આરોપી વિનિત છોકરીઓ સાથે ફક્ત ચેટથી વાતો કરતો હતો, આરોપી મૂળ શાહજહાંપુરનો રહેવાસી છે. તે પહેલા છોકરીઓ સાથે દોસ્તી કરતો હતો અને પછી તેનો વૉટ્સએપ નંબર લેતો હતો, પછી તેને ખાસ લિંક મોકલતો હતો, જેવી છોકરી આ લિંકને ઓપન કરતી, તો તેના ક્રેડેન્શિયલ તેની પાસે આવી જતા હતા. આરોપી છોકરીઓનુ આખુ વૉટ્સએપ ચેક કરતો અને તેના બૉયફ્રેન્ડ કે કોઇ સાથે થયેલી વાતચીત અને તસવીરો કાઢી લેતો હતો. આ તસવીરોને તે અશ્લીલ રીતે એડિટ કરતો અને તેને પોર્ન સાઇટ પર મુકી દેતો હતો.

પોલીસનો દાવો છે કે આ શખ્સ પાસે લેપટૉપમાં લગભગ 10 હજાર છોકરીઓની તસવીરો મળી આવી છે. આરોપીનુ નામ વિનિત મિશ્ર છે. એક છોકરીએ પીજીઆઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, આ પછી યુપીની પોલીસની સર્વિલન્સ ટીમે તપાસ શરૂ કરી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.

(પ્રતિકાત્મક તસવીર)