Bihar CBI Declared Alive Woman Dead: બિહારના મુઝફ્ફરપુરથી CBIની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં CBIએ એક એવું કામ કર્યું જેને સાંભળીને બધા ચોંકી ગયા. સીબીઆઈના આ કૃત્યથી કોર્ટ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. બિહારના સિવાન જિલ્લાની એક 80 વર્ષીય મહિલા, જે એક કેસમાં મુખ્ય સાક્ષી પણ છે, શુક્રવારે મુઝફ્ફરપુર સિવિલ કોર્ટમાં હાજર થઈ અને જજને કહ્યું “જજ સાહેબ, હું જીવતી છું.” જોકે CBIએ આ મહિલાને મૃત જાહેર કરી હતી.
આ કેસ પત્રકાર રાજદેવ રંજન હત્યા કેસ સાથે જોડાયેલો છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન - CBI દ્વારા મૃત જાહેર કરાયેલી મહિલા સાક્ષી બદામી દેવી શુક્રવારે કોર્ટમાં હાજર થઈ અને જજ સમક્ષ આવીને કહ્યું, " “જજ સાહેબ, હું જીવતી છું. મને CBI દ્વારા મૃત જાહેર કરવામાં આવી છે.”
CBIએ બદામી દેવીના મૃત્યુ અંગે કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો હતો. આવી સ્થિતિમાં કોર્ટમાં મૃત જાહેર કરાયેલી મહિલાની હાજરીને કારણે તપાસ એજન્સી CBIની ઘણી બદનામી થઈ. આ સાથે જ કોર્ટે હવે CBI પાસેથી આ મામલે સ્પષ્ટતા માંગી છે.
CBIના કૃત્યથી દુ:ખી થઇ મહિલા
24 મેના રોજ CBIએ કોર્ટમાં એક રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે બદામી દેવી મૃત્યુ પામ્યા છે. જ્યારે બદામી દેવીને આ વાતની જાણકારી મળી તો તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. જે બાદ તે પોતે આજે કોર્ટમાં હાજર થઇ હતી અને કહ્યું હતું કે, તે જીવિત છે. મહિલાએ કોર્ટમાં પોતાનું આઈકાર્ડ, પાન કાર્ડ, વોટર આઈ કાર્ડ પણ બતાવ્યું. આ અંગે સખત વાંધો વ્યક્ત કરતાં કોર્ટે CBIને કારણ દર્શક નોટિસ ફટકારી છે.
મારા માટે નિરાશાજનક અને પીડાદાયક : બદામી દેવી
બદામી દેવીએ કહ્યું, "જ્યારે મને ખબર પડી કે CBIએ કોર્ટમાં મારા મૃત્યુનો રિપોર્ટ દાખલ કર્યો છે, ત્યારે હું આઘાતમાં સરી પડી હતી. તે મારા માટે નિરાશાજનક અને પીડાદાયક હતું. પછી, હું મારું મતદાર આઈડી, પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે કોર્ટમાં હાજર થઇ છું."
તેમના વકીલ શરદ સિંહાએ કહ્યું કે રાજદેવ રંજનની હત્યામાં દિવંગત સાંસદ મોહમ્મદ શહાબુદ્દીન સહિત 8 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. FIR મુજબ, શહાબુદ્દીનના નજીકના સાથી લદ્દન મિયાંને રાજદેવ રંજનની હત્યાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.