Aadhar Card Loan Scam: લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે સ્કેમર્સ સોશિયલ મીડિયા પર ફેક એડવર્ટાઈઝમેન્ટ આપે છે. આમાં લલચામણા વાયદા અથવા મોટી લાલચ આપવામાં આવે છે, જેથી લોકો તેના પર ક્લિક કરીને તેમની જાળમાં ફસાઈ જાય. હવે આવા જ એક તાજા કિસ્સામાં એક જાહેરાતમાં આધાર કાર્ડ પર 3 લાખ રૂપિયાની લોન આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે 'પ્રાઈમ મિનિસ્ટર લોન સ્કીમ' હેઠળ લોકો પોતાના આધાર કાર્ડ પર 3 લાખ રૂપિયાની લોન લઈ શકે છે. સરકારે આ જાહેરાતને નકલી ગણાવીને લોકોને આવા દાવાઓ પર ભરોસો ન કરવા જણાવ્યું છે. સરકારનું કહેવું છે કે આ પ્રકારની કોઈ સ્કીમ નથી.

 

Aadhar Card Loan Scam માં શું દાવો કરવામાં આવી રહ્યો છે?

યૂટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સ્પોન્સર્ડ એડમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓછામાં ઓછા દસ્તાવેજો સાથે 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે. આમાં અસલી દેખાતા ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી લોકોનો ભરોસો જીતી શકાય. આ એડમાં 'અપ્લાય નાઉ' જેવા ફ્રેઝ પણ યુઝ કરવામાં આવ્યા છે. ઘણા કિસ્સાઓમાં લિંક્સ અને QR કોડ પણ આપવામાં આવ્યા છે, જે યુઝર્સને એક્સટર્નલ એપ્સ અને વેબસાઇટ પર રિડાયરેક્ટ કરી રહ્યા છે.

સરકારે કરી સ્પષ્ટતા

સરકારે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા આ દાવાને નકલી ગણાવ્યો છે. PIB ફેક્ટ ચેક તરફથી પોસ્ટ મૂકીને જણાવવામાં આવ્યું છે કે યૂટ્યુબ પર પ્રાઈમ મિનિસ્ટર લોન સ્કીમ હેઠળ 3 લાખ રૂપિયાની લોન મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવો સંપૂર્ણપણે નકલી છે. સરકાર આવી કોઈ પણ સ્કીમ કે એડને એન્ડોર્સ કરતી નથી. લોકોએ આનાથી સાવધ રહેવાની જરૂર છે અને સરકારી સેવાઓની જાણકારી માટે ઓફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરવો જોઈએ.

આવા સ્કેમથી પોતાની જાતને કેવી રીતે સાવધ રાખવી?

  • સોશિયલ મીડિયા પર જોવા મળતી શંકાસ્પદ અને લાલચ આપતી એડ પર ક્લિક કરવાનું ટાળો.
  • કોઈ પણ સ્કીમને હંમેશા સરકારી પોર્ટલ અથવા અન્ય ઓફિશિયલ ચેનલથી ચોક્કસ વેરીફાય કરો.
  • કોઈ પણ અજાણી કે શંકાસ્પદ વેબસાઇટ અને એપ્સ પર તમારી જરૂરી જાણકારી શેર ન કરો.
  • ફેક સ્કીમોની ઓળખ માટે સ્પેલિંગ એરર અથવા URL ને ધ્યાનથી જુઓ. આમાં ગરબડ જોવા મળી જશે.
  • જો તમને સોશિયલ મીડિયા પર આવી ફેક એડ જોવા મળે છે તો તમે તેને રિપોર્ટ કરી શકો છો.
  • સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સતર્ક રહો અને લાલચમાં આવતા પહેલા તમામ જાણકારીને વેરીફાય જરૂર કરો.