નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાંથી 46 ધારાસભ્યોને રિપિટ કરવામાં આવ્યા છે, જ્યારે 15 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. આ લિસ્ટમાં 8 મહિલા ઉમેદવારોને પણ ટિકિટ ફાળવવામાં આવી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 6 મહિલાઓને ટિકિટ આપી હતી.

નવી દિલ્હીમાંથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા પ્રતાપગંજથી ચૂંટણી લડશે. પટેલ નગરથી રાજકુમાર આનંદ, મોદી નગરથી શિવચરણ ગોયલને ટિકિટ ફાળવવામાં આવી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.

આ 15 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ આમ આદમી પાર્ટીએ કાપી છે

1. પંકજ પુષ્કર (તિમારપુર)
2. રામચંદ્ર( બવાના)
3. સુખબીર દલાલ(મુંડકા)
4. હજારીલાલ ચૌહાણ ( પટેલ નગર)
5. જગદીપ સિંહ (હરીનગર)
6. આદર્શ શાસ્ત્રી ( દ્વારકા)
7. કમાન્ડો સુરેન્દ્ર (દિલ્હી કેન્ટ)
8. વિજેન્દ્ર (રાજેન્દ્ર નગર)
9. અવતારસિંહ ( કાલકાજી)
10. નારાયણ દત્ત શર્મા ( બદલપુર)
11. રાજૂ દિન ( ત્રિલોકપુરી)
12. મનોજ કુમાર ( કોંડલી)
13. હાજી ઇશરાક ( સીલમપુર)
14. ચૌધરી ફતેહ (ગોકુલપુર)
15. આસિમ અહમદ ખાન ( મટિયા મહલ)


ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.