AAP MLAs resign: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 નજીક આવતાં આમ આદમી પાર્ટી (AAP) માટે રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. મતદાનના માત્ર 5 દિવસ પહેલા, AAPના 7 ધારાસભ્યોએ રાજીનામું આપતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત કુમાર, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, કસ્તુરબા નગરના ધારાસભ્ય મદન લાલ, પાલમના ધારાસભ્ય ભાવના ગૌર, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, બિજવાસનના ધારાસભ્ય બીએસ જૂન અને આદર્શ નગરના ધારાસભ્ય પવન શર્માએ એક પછી એક રાજીનામું આપ્યું છે. 


આ ધારાસભ્યોએ રાજીનામા સાથે પાર્ટી પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમના મતે, ટીકિટ રદ કરવાના નિર્ણય અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વ પ્રત્યે નિરાશા એ મુખ્ય કારણ છે. 






રોહિત કુમારના આક્ષેપો


ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત કુમારે પોતાના રાજીનામા પત્રમાં કેજરીવાલ પર આક્ષેપ કરતા કહ્યું, "મારા સમાજે તમારું સમર્થન કર્યું અને ત્રણ વખત દિલ્હીમાં AAPની સરકાર બની. છતાં, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ થઈ નથી અને કાચા કામદારોને કાયમી નોકરી મળી નથી. અમારા સમાજનો રાજકીય ફાયદા માટે માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે." 






ભાવના ગૌર અને મદન લાલના નિવેદનો


પાલમના ધારાસભ્ય ભાવના ગૌરે જણાવ્યું કે, "હવે મારે ન તો તમારી પર વિશ્વાસ રહ્યો છે અને ન તો પાર્ટી પર."


મદન લાલે એસેમ્બલી સ્પીકરને પત્ર લખીને તેમના કાર્યકાળ દરમિયાન મળેલા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને રાજીનામું આપ્યું. 


રાજેશ ઋષિ અને નરેશ યાદવના ગંભીર આક્ષેપો


જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિએ કહ્યું, "અન્ના આંદોલનથી જન્મેલી આ પાર્ટી હવે ભ્રષ્ટાચારથી ભરેલી છે. આ મને ખૂબ દુઃખ આપે છે, અને હું પાર્ટી છોડવા મજબૂર છું."


મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવે જણાવ્યું કે, "હું ઈમાનદારીની રાજનીતિ માટે પાર્ટીમાં જોડાયો હતો, પરંતુ આજે એ ઈમાનદારી ક્યાંય દેખાતી નથી." 


AAPના આ મોટા રાજીનામાઓને કારણે પાર્ટી માટે ચૂંટણી પહેલાં એક મોટી પડકારજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. આ રાજીનામાઓ મતદારો પર શું અસર કરશે અને ભાજપ-કોંગ્રેસ માટે આ સ્થિતિ કેવી રીતે ફાયદાકારક સાબિત થશે તે જોવું રહ્યું. 


આ પણ વાંચો....


મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન