નવી દિલ્હી: પીએમ મોદીએ મંગળવારે રાત્રે આઠ કલાકે રાષ્ટ્ર જોગ સંબોધનમાં કહ્યું, લોકડાઉનનો ચોથો તબક્કો લોકડાઉન 4 એકદમ નવા રંગ રૂપવાળો હશે, નવા નિયમોવાળો હશે. રાજ્યો પાસેથી અમને જે સૂચનો મળી રહ્યા છે, તેના આધાર પર લોકડાઉન 4 સાથે જોડાયેલ જાણકારી તમને 18 મે પહેલા આપવામાં આવશે. સંબોધનમાં 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી.


મોદીએ કહ્યું, આ પેકેજ ભારતના જીડીપીના આશરે 10 ટકા છે. પરંતુ આ પેકેજ પડોશી દેશ પાકિસ્તાનના કુલ જીડીપી જેટલું છે. પાકિસ્તાનનો 2019માં કુલ જીડીપી 284 બિલિયન ડોલર હતો. જ્યારે આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજ 265 બિલિયન ડોલરનું છે.

આ પહેલા પાકિસ્તાનનો જીડીપી વર્ષ 2018માં 300 બિલિયન ડોલરથી વધારે હતો. જ્યારે કોરોના સંકટના સમયમાં પાકિસ્તાનની હાલત જોઈને કહી શકાય કે 2020માં પાકિસ્તાનનો જીડીપી 200 બિલિયન ડોલરથી ઓછો રહેશે. ભારતનો કુલ જીડીપી 3000 બિલિયન ડોલરની નજીક છે.

કોરોના કાળમાંથી અર્થતંત્રને ઉગારવા માટે મોટા રાહત પેકેજની જાહેરાત કરનારા ગણ્યા ગાંઠ્યા દેશોના લિસ્ટમાં ભારતનો સમાવેશ થઈ ગયો છે. વિશ્વમાં સૌથી વધારે રકમ ખર્ચ કરનારા બીજા દેશો પર નજર કરીએ તો જાપાને કુલ જીડીપીના 21.1 ટકા, અમેરિકાએ જીડીપીના 13 ટકા, સ્વીડને જીડીપીના 12 ટકા અને જર્મનીએ દેશના જીડીપીના 10.7 ટકા રકમનો ખર્ચ કર્યો છે.