Abdullah Azam Khan News: સમાજવાદી પાર્ટીના કદ્દાવર નેતા આઝમ ખાન બાદ હવે તેમના પુત્ર અબ્દુલ્લા આઝમની મુશ્કેલીઓ વધી છે. આઝમ ખાનની માફક હવે તેમના દિકરા અબ્દુલ્લાની ધારાસભ્યની સદસ્યતા પણ રદ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા સચિવાલયે અબ્દુલ્લા આઝમની સીટ ખાલી જાહેર કરી છે. મુરાદાબાદની એક વિશેષ અદાલતે સોમવારે સપાના મહાસચિવ આઝમ ખાન અને તેમના ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમને 15 વર્ષ જૂના કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી.


અબ્દુલ્લા આઝમ રામપુરની સ્વાર બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. જાહેર છે કે, જનપ્રતિનિધિત્વ અધિનિયમ કહે છે કે, બે વર્ષ કે તેથી વધુ સજા પામેલ કોઈપણ વ્યક્તિને 'આવી સજાની તારીખથી' જ અયોગ્ય ઠેરવવામાં આવશે અને જેલમાં સમય પસાર કર્યા બાદ છ વર્ષ સુધી અયોગ્યતા યથાવત જ રહેશે. અબ્દુલ્લા પણ તેમના પિતા આઝમ ખાનની માફક સસ્પેન્ડ થયા છે. આ અગાઉ ઓક્ટોબર 2022માં આઝમ ખાનને વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.


આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લાને બે-બે વર્ષની સજા કરવામાં આવી


જિલ્લા સરકારના એડવોકેટ (ક્રાઈમ) નીતિન ગુપ્તાએ કહ્યું હતું કે, તપાસ દરમિયાન પોલીસ સાથેના વિવાદમાં આઝમ ખાન સહિત નવ લોકો સામે નોંધાયેલા કેસમાં સાંસદ-ધારાસભ્ય કોર્ટના ન્યાયાધીશ સ્મિતા ગોસ્વામીએ સોમવારે આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લાને બે-બેની સજા ફટકારી હતી. તેમને બે વર્ષની સજા અને રૂ.3,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે, બચાવ પક્ષના વકીલ શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે, કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેને સ્વીકારીને કોર્ટે આઝમ ખાન અને અબ્દુલ્લા આઝમને જામીન આપ્યા હતાં. 


ભાજપના ધારાસભ્ય આકાશ સક્સેનાએ વિધાનસભાના મુખ્ય સચિવને પત્ર લખીને સ્વાર બેઠક ખાલી જાહેર કરવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ દેશનો પહેલો એવો કિસ્સો સાબિત થશે કે જ્યાં એક જ ધારાસભ્ય બે વાર ધારાસભ્ય બન્યા બાદ બંને વખત તેમની વિધાનસભા સદસ્યતા છીનવાઈ ગઈ હોય.


સપા નેતા આઝમ ખાન વિરુદ્ધ કથિત રીતે જમીન હડપવા મામલે EDએ દાખલ કર્યો કેસ


ઉત્તરપ્રદેશ સરકાર દ્ધારા તાજેતરમાં ભૂમાફિયા જાહેર કરાયેલા સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પર હવે ઇડીએ કાર્યવાહી શરૂ કરી છે. ઇડીએ યુપીમાં કથિત જમીન ઝડપવાના અનેક મામલાઓને લઇને કેસ દાખલ કર્યો છે. અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી છે. અધિકારીઓએ કહ્યું કે એજન્સીએ રાજ્યસભાના સાંસદ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસ દ્ધારા દાખલ કરવામાં આવેલા ઓછામાં ઓછા 26 એફઆઇઆરને ધ્યાનમાં લેતા તેમના વિરુદ્ધ ઇડીએ રિપોર્ટ દાખલ કર્યો છે. વાસ્તવમાં ઇડીની ECIR પોલીસ FIR સમાન છે. આઝમ ખાન અને અન્ય વિરુદ્ધ પ્રિવેશન  ઓફ મની લોન્ડ્રરિંગ એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે. આઝમ ખાન જૌહર યુનિવર્સિટીના ચાન્સલર છે.