West Bengal election results: 4 મે 2026 ના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકારણમાં મોટો ઉલટફેર કર્યો છે. મમતા બેનર્જીના 15 વર્ષના લાંબા શાસનનો અંત આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરીને સત્તાનું સુકાન સંભાળવા જઈ રહી છે. આ ઐતિહાસિક હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ પહેલીવાર જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે હાર સ્વીકારતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "એક સભ્ય સમાજમાં જનતા જે પણ ચુકાદો આપે, તે દરેક વ્યક્તિએ માન્ય રાખવો જોઈએ." જોકે, હાર સ્વીકારવાની સાથે જ તેમણે મતગણતરીની પ્રક્રિયા પર અનેક ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે.

અભિષેક બેનર્જીએ મતગણતરીની અત્યંત ધીમી ગતિ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે 2021 ની ચૂંટણીને યાદ કરતા કહ્યું કે, તે સમયે માત્ર સાડા આઠ કલાકમાં 90% મતગણતરી પૂરી થઈ ગઈ હતી, જ્યારે આ વખતે આટલા જ સમયમાં માંડ 6 થી 8 રાઉન્ડ જ પૂરા થયા છે. વધુમાં તેમણે એક મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, કલ્યાણી વિસ્તારમાં ઓછામાં ઓછા 8 EVM એવા મળ્યા છે જ્યાં કંટ્રોલ યુનિટનો ડેટા 'ફોર્મ 17C' સાથે મેચ થઈ રહ્યો નથી.

આવી ગૂંચવણભરી સ્થિતિમાં તેમણે TMC ના તમામ કાઉન્ટિંગ એજન્ટોને ધીરજ રાખવા અને કોઈપણ સંજોગોમાં કાઉન્ટિંગ સેન્ટર છોડીને ન જવા માટે અપીલ કરી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે બર્ધમાન દક્ષિણ બેઠક પર TMC નું વિજય નિશ્ચિત થઈ ગયું હોવા છતાં ત્યાં હજુ પણ ગણતરી ચાલુ રખાઈ છે, અને ઘણી જગ્યાએ તો મીડિયાને પણ સાચા પરિણામોની જાણકારી આપવામાં આવી રહી નથી.

શું છે અમિત શાહની 18 કલાકની 'બંગાળ રણનીતિ'? જેનાથી 190+ બેઠકો પર ખીલ્યું 'કમળ'

આ વખતની ચૂંટણીમાં ભાજપે માલદા, મુર્શિદાબાદ અને ઉત્તર બંગાળ જેવા TMC ના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં પણ જબરદસ્ત ગાબડાં પાડ્યા છે, જે ટીએમસી માટે મોટો ફટકો છે. પરિણામોના આ ધમધમાટ વચ્ચે અભિષેક બેનર્જી હેસ્ટિંગ્સ કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા હતા, પરંતુ તેઓ પોતે આ ચૂંટણીમાં ઉમેદવાર ન હોવાથી ચૂંટણી પંચે તેમને ત્યાંથી બહાર જવાનું કહી દીધું હતું.

બીજી તરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જી હજુ પણ કાઉન્ટિંગ સેન્ટર પર જ હાજર છે. તેમણે ભાજપ પર કાઉન્ટિંગ સેન્ટરો લૂંટવાનો આરોપ લગાવ્યો છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ પરિણામો સ્પષ્ટ થતાં જ મમતા બેનર્જી ટૂંક સમયમાં રાજ્યપાલની મુલાકાત લઈ શકે છે.

દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો