નવી દિલ્હીઃ મોદી કેબિનેટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગન્સી બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી સાથે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગન્સી એક્ટ 1971માં સંશોધનનો રસ્તો સાફ થઇ ગયો છે. હવે આ બિલને સંસદમાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. આ બિલ મારફતે હવે મહિલાઓ 24મા સપ્તાહે પણ ગર્ભપાત કરાવી શકશે.


ગયા વર્ષે ગર્ભપાત કરાવવાની મર્યાદા વધારવા વિશે કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન સ્વાસ્થય મંત્રાલયે ગયા વર્ષે ઓગસ્ટમાં દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને તેમના ગર્ભપાતની સમયસીમા 20 સપ્તાહથી વધારીને 24થી 26 સપ્તાહ કરવા વિશે મંત્રાલયે વિચાર-વિમર્શ શરૂ કરી દીધો છે.

સરકારે એફિડેવિટમાં કહ્યું હતું કે, સંબંધિત મંત્રાલય અને નીતિ આયોગનો મત જાણ્યા બાદ ગર્ભપાત સંબંધી કાયદામાં સંશોધન માટે ડ્રાફ્ટને અંતિમ રૂપ આપ્યા બાદ કાયદા મંત્રાલય પાસે મોકલી દેવામાં આવશે. મંત્રાલયે આ એફિડેવિટ અરજીકર્તા અને વકીલ અમિત સાહનીની જનહિત અરજી દાખલ કરી હતી. અમિત સાહનીએ અરજીમાં કહ્યું હતું કે મહિલા અને તેના ભૂણના સ્વાસ્થ્યને જોતા ગર્ભપાત કરાવવાનો સમયગાળો 20 સપ્તાહથી વધારીને 24થી26 સપ્તાહ કરી દેવામાં આવે. તે સિવાય અવિવાહીત મહિલાઓ અને વિધવાઓને કાયદાકીય રીતે ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવામાં આવે.