ABP Cvoter Karnataka Opinion Poll: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે આજે વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. કર્ણાટકમાં 10 મેના રોજ એક તબક્કામાં મતદાન થશે અને 13 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. કર્ણાટકમાં સત્તારૂઢ ભાજપ પુનરાગમન માટે તમામ મથામણ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ કર્ણાટકના પ્રવાસે છે. તો બીજી બાજુ કોંગ્રેસ અને જેડીએસ પણ રાજ્યમાં સત્તા કબજે કરવા માટે પૂરા જોશ સાથે મેદાનમાં છે.



કર્ણાટકમાં ભાજપ વાપસી કરશે કે કોંગ્રેસને તક મળશે કે પછી આ બંને વચ્ચે જેડીએસની લોટરી નીકળશે તે તો ચૂંટણીના પરિણામોના દિવસે જ ખબર પડશે. પરંતુ લોકોનો અભિપ્રાય જાણવા માટે સી-વોટરે એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ હાથ ધર્યો હતો. આ ઓપિનિયન પોલમાં 24 હજાર 759 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. કર્ણાટકની તમામ સીટો પર ઓપિનિયન પોલ કરવામાં આવ્યા છે. ઓપિનિયન પોલમાં એરર ઓફ માર્જીન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.

ઓપિનિયન પોલમાં સૌથી મોટો પક્ષ કોણ?

સી વોટરએ ઓપિનિયન પોલમાં સવાલ પૂછ્યો હતો કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી શકે છે? આ પ્રશ્નના ખૂબ જ આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. ઓપિનિયન પોલ અનુસાર કોંગ્રેસને કર્ણાટકમાં સૌથી વધુ સીટો મળવાની ધારણા છે. ઓપિનિયન પોલ અનુસાર કોંગ્રેસને 115-127 સીટો શકે છે. જ્યારે બીજેપીને 68-80 સીટો અને જેડીએસને 23-35 સીટો મળી શકે છે. તો અન્યને 0-2 બેઠકો મળવાની ધારણા છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભાની કુલ 224 બેઠકો છે જેમાં હાલ ભાજપ સરકારમાં છે.

કર્ણાટકમાં કોને કેટલી સીટો મળે છે? (કુલ સીટ- 224)

ભાજપ-68-80
INC-115-127
જેડીએસ-23-35
અન્ય-0-2

કર્ણાટકમાં કોને કેટલો વોટ શેર મળ્યો?

ભાજપ-35%
કોંગ્રેસ-40%
JDS-18%
અન્ય - 7%


કર્ણાટકમાં CM માટે પહેલી પસંદ કોણ?


સી વોટરે ઓપિનિયન પોલમાં લોકોને પૂછ્યું હતું કે, કર્ણાટકમાં સીએમની પહેલી પસંદ કોણ છે? આ પ્રશ્નના ખૂબ જ આશ્ચર્યજનક જવાબો મળ્યા છે. ઓપિનિયન પોલ અનુસાર, કર્ણાટકમાં સીએમ માટે પહેલી પસંદ કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા છે જેમને 39 ટકા વોટ મળ્યા છે. બીજા ક્રમે કર્ણાટકના વર્તમાન સીએમ બસવરાજ બોમાઈ છે જેમને 31 ટકા વોટ મળ્યા છે. જેડીએસના એચડી કુમારસ્વામી 21 ટકા વોટ સાથે ત્રીજા નંબરે છે. કોંગ્રેસના ડીકે શિવકુમારને 3 ટકા વોટ મળ્યા જ્યારે 6 ટકા લોકોએ અન્યને પસંદ કર્યા.



નોંધઃ એબીપી ન્યૂઝ માટેનો આ ઓપિનિયન પોલ સી-વોટર દ્વારા કરવામાં આવ્યો છે. ઓપિનિયન પોલના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી સમાચાર આ માટે જવાબદાર નથી.