Rain Forecast: દેશમાં ચોમાસુ 2024ની સીઝન પૂરી થવા જઈ રહી છે, પરંતુ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે ફરી એકવાર ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પૂર્વી ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દેશના 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.


હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે દેશના ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમાં ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. આ સાથે, હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાત, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, કેરળ અને મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.


ભારતીય હવામાન વિભાગે બિહારના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને આગામી 24 કલાકમાં રાજ્યના 13 જિલ્લાઓમાં અચાનક પૂરના ભયની ચેતવણી જાહેર  કરી છે. IMD દ્વારા જાહેર  કરાયેલા બુલેટિન મુજબ પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, શિવહર, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, પટના, જહાનાબાદ, મધુબની અને ભોજપુર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.


સિક્કિમમાં વરસાદનું રેડ એલર્ટ


સિક્કિમમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે અને રાજ્યના ઉત્તરીય ભાગનો પ્રવેશદ્વાર ગણાતા જૂના 'રંગ-રંગ' પુલને પણ ઘણું નુકસાન થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે પુલને નુકસાન થવાને કારણે મંગન જિલ્લાનું મુખ્યાલય રાજ્યના બાકીના ભાગોથી કપાઈ ગયું છે. દરમિયાન, IMD એ સિક્કિમમાં આગામી બે દિવસ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.


મધ્યપ્રદેશમાં બે લોકોના મોત થયા છે


મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શુક્રવારે સાંજે ભારે વરસાદને કારણે મહાકાલ મંદિરની સામે આવેલી મહારાજવાડા સ્કૂલની બિલ્ડિંગની દિવાલનો એક ભાગ ધરાશાયી થતાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતા. ઉજ્જૈનના જિલ્લા મેજિસ્ટ્રેટ નીરજ કુમાર સિંહે જણાવ્યું કે ભારે વરસાદને કારણે મહારાજવાડા સ્કૂલની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો, જેના કારણે ચાર લોકો તેની નીચે દટાયા. તેમણે કહ્યું કે તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને લોકોને કાટમાળમાંથી બચાવીને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બેને સારવાર માટે ઈન્દોર રિફર કરવામાં આવ્યા છે.