મુંબઈ: શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.  તેમણે ટ્વિટ કરી પોતે આ વાતની જાણકારી આપી છે. તેમણે ટ્વિટમાં કહ્યું જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે.


આદિત્ય ઠાકરેએ સંક્રમિત થવાની જાણકારી આપતા ટ્વિટ કર્યું, 'કોરોના વાયરસના સામાન્ય લક્ષણો જોવા મળથા મે ટેસ્ટે કરાવ્યો અને મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરુ છું.'



આ સાથે જ તેમણે કોરોના વાયરસના ખતરા વિશે કહ્યું, હું તમામ લોકોને અપીલ કરુ છુ કે તમારી સુરક્ષાને નજરઅંદાજ ન કરો. મહેરબાની કરીને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરો અને સુરક્ષિત રહો.


મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે 25,681 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જ્યારે  70 લોકોના મોત થયા હતા. આર્થિક રાજધાની મુંબઈમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં આજે એક જ દિવસમાં 3062 નવા કેસ સામે આવ્યા હતા  જે ગત વર્ષે મહામારી શરૂ થયા બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ છે.


મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ  24,22,021 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી  21,89,965 લોકો સ્વસ્થ થયા છે અને  53,208 લોકોના મોત થયા છે.  1,77,560 લોકોની હાલ સારવાર ચાલી રહી છે. 



લોકડાઉનને લઈને મુખ્યમંત્રીનું નિવેદન


કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકડાઉન વિકલ્પ છે પરંતુ તેમને વિશ્વાસ છે કે લોકો પોતે જ નિયમોનું પાલન કરશે. સાથે જ તેમણે કહ્યું કે જ્યારે ગત વર્ષે મહામારી શરૂ થઈ હતી, ત્યારે વાયરસ સામે લડવા માટે કંઈ નહોતું, પરંતુ હાલ આપણી પાસે ઢાલ તરીકે રસી  છે. હવે પ્રાથમિક્તાએ છે કે તમામને રસી આપવામાં આવે. રસીકરણ માટે લોકોએ આગળ આવવું જોઈએ. તેમણે કહ્યું કેંદ્ર સરકારે આશ્વાસન આપ્યું છે કે રસીની અછત નહી થાય.