નવી દિલ્લીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો કરી લીધા પછી ભારત સરકાર દ્વારા ત્યાં ફસાયેલા ભારતીય લોકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. મંગળવારે જ કાબુલથી 78 લોકોને એર લિફ્ટ કરીને ભારત લાવવામાં આવ્યા હતા. કાબુલથી ભારત આવેલા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે. 


કાબુલથી ભારત આવેલા લોકોના સંપર્કમાં કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી આવ્યા હતા. નોંધનીય છે કે, એક તરફ અફઘાનિસ્તાનમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ સતત ચાલી રહ્યું છે. 16 નાગરિકો કોરોના પોઝિટિવ આવ્યા તેમાંથી 3 શીખનો સમાવેશ થાય છે કે જેઓ અફઘાનિસ્તાનના ગુરુદ્વારામાંથી ગુરુ ગ્રંથ સાહિબ ભારત લાવ્યા હતા. કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી પણ કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હતા. 

ભારતમાં કોરોના સંકટ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધવા લાગ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 37,593 નવા કોરોના કેસ આવ્યા અને 648 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અગાઉના દિવસે 25,467 કોરોના કેસ આવ્યા હતા. બીજી બાજુ 24 કલાકમાં 34,169 લોકો કોરોનાથી સાજા થયા છે, એટલે કે ગઈકાલે 2776 એક્ટિવ કેસ વધ્યા છે.


કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 25 લાખ 12 હજાર લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી 4 લાખ 35 હજાર 758 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 17 લાખ 54 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા ત્રણ લાખથી વધુ છે. કુલ 3 લાખ 22 હજાર લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.


 


કોરોનાના કુલ કેસ - ત્રણ કરોડ 25 લાખ 12 હજાર 366


 


કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 17 લાખ 54 હજાર 281









કુલ મૃત્યુ - ચાર લાખ 35 હજાર 758


કુલ રસીકરણ - 59 કરોડ 55 લાખ 4 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા


કેરળમાં કોરોનાનો કહેર યથાવત


કેરળમાં બુધવારે કોવિડના 24,296 નવા કેસો આવવાથી કોરોના વાયરસ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 38 લાખ 51 હજાર 984 થઈ ગઈ છે. જ્યારે વધુ 173 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક 19,757 પર પહોંચી ગયો છે. કેરળમાં 26 મે પછી આ બીજી વખત છે જ્યારે એક દિવસમાં નોંધાયેલા ચેપના નવા કેસોની સંખ્યા 24 હજારને વટાવી ગઈ છે. 26 મેના રોજ કોરોના વાયરસના ચેપના 28,798 નવા કેસ નોંધાયા હતા.


59 કરોડથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, 24 ઓગસ્ટ સુધી દેશભરમાં કોરોનાની રસીના 59 કરોડ 55 લાખ 4 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 61.90 લાખ રસી આપવામાં આવી હતી. તે જ સમયે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર અત્યાર સુધીમાં 51 કરોડ 11 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા દિવસે લગભગ 17.92 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.68 ટકા છે. એક્ટિવ કેસ 0.98 ટકા છે. કોરોના એક્ટિવ કેસની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં 10 મા સ્થાને છે. સંક્રમિતોની કુલ સંખ્યાના સંદર્ભમાં ભારત બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા પછી બ્રાઝિલમાં ભારતમાં સૌથી વધુ મોત થયા છે.