નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહજાદનો કરાર અનિશ્વિત સમય સુધી સસ્પેન્ડ કરી દીધો છે. શહજાદ  વિરુદ્ધ આ કાર્યવાહી અફઘાનિસ્તાન બોર્ડની આચાર સંહિતાના ઉલ્લંઘનના કારણે કરાઇ છે. શહજાદ દેશ બહાર જતા અગાઉ ક્રિકેટ બોર્ડ પાસેથી મંજૂરી મેળવી લીધી નહોતી. બોર્ડની નીતિઓ અનુસાર, દેશમાંથી બહાર જવા માટે કોઇ પણ ખેલાડીને એસીબીની મંજૂરી લેવી પડે છે. શહજાદે બોર્ડની નીતિનો વારંવાર ઉલ્લંઘન કર્યું હતું.


આવું પ્રથમવાર નથી થયું જ્યારે શહજાદે બોર્ડની નીતિ વિરુદ્ધ કામ કર્યું છે. 2018માં તેણે પેશાવર ટુનામેન્ટમાં રમવા માટે બોર્ડની આચાર સંહિતાનો ભંગ કર્યો હતો. અફઘાન બોર્ડે કહ્યું કે, મોહમ્મદ શહજાદે પ્રથમ તો એસીબી આચાર સંહિતાનો ભંગ કર્યો છે. તાજેતરમાં જ તેને એસીબી  અનુશાસન સમિતિ દ્ધારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 દરમિયાન  પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. મોહમ્મદ શહજાદે 20 અને 25 જૂલાઇની અનુશાસન સમિતિની બેઠકમાં ભાગ લીધો નથી.

શહજાદ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની  પ્રથમ બે મેચ રમી હતી  પરંતુ  ઇજાના કારણે તેને ટીમમાંથી હટાવી લેવામાં આવ્યો હતો. ત્યારે અફઘાન ક્રિકેટ બોર્ડે કહ્યું હતુ કે, તે ટુનામેન્ટમાં આગળ રમી શકશે નહીં. બાદમાં શહજાદે દાવો કર્યો હતો કે તેને ખોટી રીતે અનફિટ જાહેર કરાયો હતો. જો તે મને રમાડવા માંગતા નહોતા તો હું ક્રિકેટ છોડી દઇશ. શહજાદે અફઘાનિસ્તાન તરફથી 84 વન-ડે, 65 ટી-20 ઇન્ટરનેશનલ સિવાય બે ટેસ્ટ મેચ રમી છે.