Sharad Pawar On Ajit Pawar: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અજિત પવારને પાર્ટીના નેતા માન્યા છે. બારામતીમાં વરિષ્ઠ પવારે કહ્યું કે, તે (અજિત પવાર) અમારા નેતા છે તેમાં કોઈ ફરક નથી, એનસીપીમાં કોઈ વિભાજન નથી.


શરદ પવારે વધુમાં કહ્યું કે, પાર્ટીમાં ભાગલા કેવી રીતે થાય છે? આવું ત્યારે થાય છે જ્યારે રાષ્ટ્રીય સ્તરે એક મોટું જૂથ પાર્ટીથી અલગ થઈ જાય છે. પરંતુ આજે એનસીપીમાં એવી સ્થિતિ નથી. હા, કેટલાક નેતાઓએ જુદું વલણ અપનાવ્યું પણ તેને ભાગલા ન કહી શકાય. લોકશાહીમાં તેઓ આ કરી શકે છે.


આ વિદ્રોહનું નેતૃત્વ અજિત પવારે કર્યું હતું


ગયા જુલાઈમાં, અજિત પવારના નેતૃત્વ હેઠળ એનસીપીમાં મોટો બળવો થયો હતો, જ્યારે પાર્ટીનો એક વર્ગ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં જોડાયો હતો. અજિત પવાર સહિત પાર્ટીના 9 ધારાસભ્યો શિંદે કેબિનેટનો ભાગ બન્યા. અજિત પવારને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું.


અજિત પવારની સાથે સરકારમાં સામેલ થનારાઓમાં છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વાલસે પાટીલ, ધર્મરાવ આત્રામ, સંજય બંસોડ, અદિતિ તટકરે અને હસન મુશ્રીફનો સમાવેશ થાય છે. તેમાંથી ભુજબળ, ધનંજય મુંડે, હસન મુશરફ જેવા લોકો શરદ પવારના ખૂબ નજીકના ગણાતા હતા.


આ સાથે NCPના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પણ અજિત પવારના જૂથ સાથે ગયા હતા. પટેલને જુનમાં જ પાર્ટીના સ્થાપના દિવસે સુપ્રિયા સુલે સાથે શરદ પવારે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા.


શરદ પવારે ડુંગળી પર નિકાસ રદ્દ કરવાની માગ કરી


કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી છે. જેને લઇ ચર્ચાઓ તેજ બની છે. ખેડૂતો ડુંગળી પર લાદવામાં આવેલી નિકાસ ડ્યુટી દૂર કરવાની માંગ કરી રહ્યા છે. તે જ સમયે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું કે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી રદ કરવી જોઈએ. આ દરમિયાન તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ખાંડની નિકાસ પર પણ નિયંત્રણો લાદી શકે છે.


તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી નાશિક ક્ષેત્રના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે (નાસિકમાં ખેડૂત વિરોધ). ખેડૂતો તેમની ડુંગળીના વાજબી ભાવની માંગ કરી રહ્યા છે. દેશમાંથી ડુંગળીની નિકાસ થાય છે, પરંતુ સરકારે નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદી છે.


પવારે વધુમાં જણાવ્યું હતું કે ડુંગળીના ઉત્પાદકોને કિંમતને ધ્યાનમાં રાખીને વાજબી ભાવ આપવાની જવાબદારી સરકારની છે અને તેની માંગણી કરવી તે ખેડૂતોનો અધિકાર છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી.