નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી દેશમાં તમામ ચીજો મોંઘી થઈ રહી છે. હવે મધર ડેરીએ દિલ્હી-એનસીઆર તથા અન્ય શહેરોમાં દૂધની કિંમતમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. આ નવો ભાવ વધારો આવતીકાલથી જ લાગુ થશે. આ પહેલા કંપનીએ ડિસેમ્બર 2019માં અંતિમ વખત દૂધી કિંમત વધારી હતી. મધર ડેરી દિલ્હી-એનસીઆરમાં રોજનું 30 લાખ લીટરથી વધુ દૂધ વેચે છે. આ પહેલા અમૂલ કંપનીએ 1 જુલાઈથી દૂધની કિંમતમાં બે રૂપિયા પ્રતિ લીટર વધારો કર્યો હતો.


હવે મધર ડેરીના એક લીટર ટોકન મિલ્કની કિંમત 42 રૂપિયાથી વધીને 44 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. જ્યારે ફુલ ક્રીમ મિલ્કની કિંમત 55 રૂપિયાથી વધીને 57 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. ગાયના દૂધનો ભાવ 47 રૂપિયાથી વધીને 49 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.






મધર ડેરીએ તેના નિવેદનમાં જણાવ્યું, 11 જુલાઈ 2011થી દિલ્હી-એનસીઆરમાં દૂધની કિંમત પ્રતિ લીટર 2 રૂપિયા વધારવા મજબૂર છે. નવી કિંમત તમામ દૂધના ભાવ પર લાગુ થશે. કંપનીના ઈનપુટ ખર્ચમાં વધારો થઈ રહ્યો હોવાથી આ પગલું ભરવું પડ્યું છે. મધર ડેરીએ એમ પણ કહ્યું, છેલ્લા ત્રણ-ચાર સપ્તાહમાં માત્ર  દૂધની કૃષિ કિંમતમાં લગભગ 4 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં દૂધની ખરીદી માટે વધારે કિંમત ચૂકવવા છતાં ગ્રાહકો પર મહામારીમાં બોજ ન પડે તેને ધ્યાનમાં રાખી કિંમતમાં વધારો કરાયો નહોતો.


મોંઘવારીના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે, દૂધ અને તેલ સિવાય, એક વર્ષમાં કરિયાણાની કિંમતમાં પણ 40 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, ખાદ્યતેલોના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. તમામ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (એફએમસીજી) વિશે વાત કરીએ તો, છેલ્લા એક વર્ષમાં તેમની કિંમતોમાં આશરે 20 ટકાનો વધારો થયો છે. આવી સ્થિતિમાં મોંઘવારીની અસર લોકો માટે મુશ્કેલી બની રહી છે.