Maharashtra Reduced VAT: કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાતના એક દિવસ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યના લોકોને રાહત આપી છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલ પર 2 રૂપિયા 8 પૈસા અને ડીઝલ પર 44 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તિજોરી પર આ નિર્ણયને કારણે વાર્ષિક અઢી હજાર કરોડનો બોજ પડશે.


કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ દેશમાં પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. હવે મહારાષ્ટ્ર સરકારે પણ દર ઘટાડવાની જાહેરાત કરી છે, જેના કારણે મહારાષ્ટ્રમાં ભાવ વધુ નીચે આવશે.


હવે નવા ભાવ શું હશે?


મહારાષ્ટ્ર સરકારના વેટ ઘટાડવાના નિર્ણયના અમલ પછી મુંબઈમાં પેટ્રોલ 109 રૂપિયા 27 પૈસા પ્રતિ લિટરે મળશે. સરકારે પેટ્રોલમાં પ્રતિ લીટર 2 રૂપિયા અને 8 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય સરકારે ડીઝલ પર 1 રૂપિયા 44 પૈસા ઘટાડવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે ડીઝલ 95 રૂપિયા 84 પૈસા પ્રતિ લિટર મળશે.


પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે ગઈકાલે મોટી જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે  એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરતા પેટ્રોલ રૂ.9.50 અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયુ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આ અંગે  ટ્વીટ કરી જાહેરાત કરી હતી.પેટ્રોલ-ડીઝલ પરનો નવો ભાવ આજથી જ અમલી બની ગયો છે.


ઝારખંડ સરકારે કાપ મૂકવાનો ઇનકાર કર્યો


હાલમાં, ઝારખંડ સરકારે વેટના દરમાં ઘટાડો કરવાની કોઈ યોજના બનાવી નથી. નાણામંત્રી રામેશ્વર ઓરાંનું કહેવું છે કે પેટ્રોલ સબસિડી યોજના ઝારખંડમાં પહેલાથી જ અસરકારક છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, રાજ્ય સરકાર વેટના દરમાં સીધો ઘટાડો કરવાનું વિચારી રહી નથી.


આજે ​​શું છે પેટ્રોલ અને ડીઝલની કિંમત


દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
જયપુરમાં પેટ્રોલ 108.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
મુંબઈમાં પેટ્રોલ 111.35 રૂપિયા અને ડીઝલ 97.28 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
હાલમાં કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 92.72 રૂપિયા પ્રતિ લીટર છે.