Protest against Agnipath Scheme: અગ્નિપથ યોજનાનો વિરોધઃ સરકાર દ્વારા સેનામાં ભરતી માટે જાહેર કરાયેલી અગ્નિપથ યોજનાનો દેશના રાજ્યોમાં ઉગ્ર વિરોધ શરૂ થયો છે. આ યોજનાની જાહેરાત મંગળવારે કરવામાં આવી હતી અને બુધવારે સવારથી વિવિધ રાજ્યોમાં દેખાવો શરૂ થઈ ગયા છે. આ દરમિયાન હરિયાણાના પનવેલમાં ડેપ્યુટી કમિશ્નરના રહેણાંક પર અગ્નિપથ યોજનાનો વિરોધ કરતાં તત્વો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો. આ તત્વોને વિખેરવા પોલીસે હવામાં ફાયરિંગ કર્યુ હતું. દેખાવકારોના પથ્થરમારામાં કેટલાક પોલીસકર્મી ઘાયલ થયા અને પોલીસ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી.
કેન્દ્રની નવી જાહેર કરાયેલ ભરતી યોજના અગ્નિપથ સામે વિરોધ વચ્ચે, સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે વિરોધીઓ જે વિચારે છે તેનાથી વિપરીત યોજનાનું ભાવિ અસુરક્ષિત નથી. અગ્નિવીર માટે ઘણા રસ્તાઓ ખુલશે અને ભવિષ્યમાં તેઓ ઉદ્યોગસાહસિક બનવાનું પસંદ કરી શકે છે, વધુ અભ્યાસ કરી શકે છે અને નોકરી પસંદ કરી શકે છે. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે યોજના શરૂ કરતા પહેલા, છેલ્લા બે વર્ષથી સશસ્ત્ર દળોના અધિકારીઓ સાથે વ્યાપક પરામર્શ કરવામાં આવી હતી, જેમાં ઘણા ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓએ યોજનાને સમર્થન આપ્યું હતું.
આ એક 'ચાન્સ' છે, લિટમસ ટેસ્ટ નથી, સરકારે ફાયદા ગણાવ્યા
કેન્દ્ર સરકારની સેનામાં ભરતીની 'અગ્નિપથ' યોજના સામે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બિહારથી હરિયાણા સુધીનું આંદોલન હિંસક બની રહ્યું છે. યુવાનોને સમજાવવા માટે હવે સરકારે બિનસત્તાવાર રીતે ફેક્ટ શીટ બહાર પાડી છે. તેનું શીર્ષક છે, 'અગ્નિપથ, મિથ Vs ફેક્ટ્સ'. આ પત્રક દ્વારા સરકારે પોતાનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આ યોજના અંગે ઉઠાવવામાં આવતા પ્રશ્નોના જવાબ તેમાં આપવામાં આવ્યા છે.