- સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 211 મૃતકોના DNA સેમ્પલ સફળતાપૂર્વક મેચ થયા છે.
- મેચ થયેલા મૃતદેહોમાંથી 189 પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે.
- 8 પરિવારો ટૂંક સમયમાં, 2 પરિવારો આવતીકાલ સુધીમાં મૃતદેહ સ્વીકારશે, જ્યારે 11 પરિવારો અન્ય સ્વજનના DNA મેચની રાહ જોઈ રહ્યા છે.
- સુપરત કરાયેલા 189 મૃતદેહોમાં 142 ભારતીય, 7 પોર્ટુગલના, 32 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 નોન-પેસેન્જરનો સમાવેશ થાય છે.
- DNA મેચિંગ અને મૃતદેહ સુપરત કરવાની પ્રક્રિયા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારના સહયોગથી અત્યંત ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ થઈ રહી છે.
Ahmedabad plane crash: અમદાવાદમાં તાજેતરમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના DNA સેમ્પલ મેચિંગ અને પાર્થિવ દેહ સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ આજે સવારે યોજાયેલી મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 211 મૃતકોના DNA સેમ્પલ સફળતાપૂર્વક મેચ થયા છે, જેમાંથી 189 મૃતદેહો તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે.
મૃતદેહ સુપરત કરવાની પ્રક્રિયા અને બાકી રહેલા કેસ
ડો. રાકેશ જોશીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, 8 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, જ્યારે 2 પરિવારો આવતીકાલ સુધીમાં પાર્થિવ દેહ સ્વીકારશે. 11 પરિવારો તેમના બીજા સ્વજનના DNA મેચિંગની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે મૃતદેહ સુપરત કરવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે.
તેમણે ઉમેર્યું કે, 189 સુપરત કરાયેલા મૃતદેહોમાં 142 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 7 પોર્ટુગલના, 32 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન અને 7 નોન-પેસેન્જરનો સમાવેશ થાય છે.
વિવિધ સ્થળોએ સુપરત કરાયેલા પાર્થિવ દેહની વિગતો
ડો. જોશીએ વિવિધ શહેરો અને સ્થળોએ સુપરત કરાયેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. આ આંકડા નીચે મુજબ છે:
રાજ્યના શહેરો: ઉદયપુર 7, વડોદરા 20, ખેડા 10, અમદાવાદ 55, મહેસાણા 6, બોટાદ 1, જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 16, ભરૂચ 5, સુરત 11, પાટણ 1, ગાંધીનગર 6, દીવ 14, જૂનાગઢ 1, અમરેલી 2, ગીર સોમનાથ 5, મહીસાગર 1, ભાવનગર 1, રાજકોટ 3, નડિયાદ 1, જામનગર 2, દ્વારકા 2 અને સાબરકાંઠાના 1 પાર્થિવ દેહ.
અન્ય રાજ્યો/દેશો: મહારાષ્ટ્ર 2, મુંબઈ 9, પટના 1, લંડન 2 અને નાગાલેન્ડના 1 પાર્થિવ દેહ.
DNA મેચિંગની સંવેદનશીલ પ્રક્રિયા
ડો. રાકેશ જોશીએ ભારપૂર્વક જણાવ્યું કે DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને તેમાં કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સીઓ ખડેપગે કામગીરી કરી રહી છે, જેથી પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપી શકાય. આ દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.