Air India pilot mayday call Ahmedabad crash: આજે ગુરુવારે (૧૨ જૂન) બપોરે ગુજરાતના અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન AI-૧૭૧ ઉડાન ભર્યાના ગણતરીની મિનિટોમાં જ મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ૧૨ ક્રૂ સભ્યો સહિત ૨૪૧ મુસાફરોના મોત થયા હોવાની આશંકા છે, જોકે એક મુસાફર બચી ગયો હોવાના અહેવાલ છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા અને તેમના મૃત્યુની પણ પુષ્ટિ થઈ છે.

પાઇલટનો છેલ્લો કોલ અને રેડિયો સંપર્ક ભંગ

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આ દુર્ઘટના અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. DGCA એ જણાવ્યું કે, "વિમાન અમદાવાદથી રનવે ૨૩ પરથી બપોરે ૧:૩૯ વાગ્યે ઉડાન ભરી હતી. તેણે એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ) ને 'મેડે' (MAYDAY) એટલે કે કટોકટીનો સંદેશ આપવા માટે ફોન કર્યો હતો, પરંતુ ત્યારબાદ એટીસી દ્વારા કરવામાં આવેલા કોલનો કોઈ જવાબ મળ્યો ન હતો." આ સૂચવે છે કે 'મેડે' કોલ કર્યા પછી તરત જ વિમાન ક્રેશ થઈ ગયું હતું.

હવે વિમાનના બ્લેક બોક્સની શોધ ચાલુ છે. બ્લેક બોક્સમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર હોય છે, જે છેલ્લી ક્ષણોમાં શું બન્યું હતું તેની વિગતવાર માહિતી પૂરી પાડશે.

પ્રત્યક્ષદર્શીઓની ભયાનક વાર્તા:

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાન (AI171) ટેકઓફ પછી તરત જ ખૂબ જ ઝડપથી નીચે ઉતરતું જોવા મળ્યું હતું અને તે ક્રેશ થયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન જમીન પર પડતા પહેલા માત્ર ૬૦૦ થી ૮૦૦ ફૂટ ઉપર જ ચઢ્યું હતું.

પ્રત્યક્ષદર્શી હરેશ શાહએ જણાવ્યું હતું કે, "વિમાન ખૂબ જ નીચે ઉડી રહ્યું હતું અને તે સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજના ડોકટરો અને નર્સિંગ સ્ટાફના રહેણાંક ક્વાર્ટર સાથે અથડાયું હતું."

હોસ્ટેલ પર ક્રેશ અને બચાવ કામગીરી:

વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક મેઘાણીનગરમાં સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજના ડોક્ટર્સ હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ ઇમારતમાં હાજર લગભગ ૫૦ લોકો ઘાયલ થયા છે, જેમાં ૩ MBBS ડોક્ટર અને એક ડોક્ટરની પત્નીના મૃત્યુની પુષ્ટિ થઈ છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે ચારેબાજુ અફડાતફડી મચી ગઈ હતી. લોકો બળી ગયેલા મૃતદેહોને બહાર કાઢતા અને ઘાયલોને હોસ્પિટલ લઈ જતા જોવા મળ્યા હતા. બચાવ કાર્યકરો પણ તાત્કાલિક અહીં પહોંચી ગયા હતા અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.