Ahmedabad plane crash compensation: ગુજરાતના અમદાવાદમાં આજે થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોક અને ચિંતાનો માહોલ સર્જ્યો છે. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ થયાના થોડા સમય બાદ જ ક્રેશ થયું હતું. આ ફ્લાઇટમાં પાયલટ અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૨૪૨ લોકો સવાર હતા, જેમાંથી હાલ ૧૩૩ મુસાફરોના મૃતદેહ મળી આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે, અને જીવ ગુમાવનારા મુસાફરોની સંખ્યા વધવાની આશંકા છે.

આ દુર્ઘટના બાદ લોકોના મનમાં એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થયો છે કે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરોને કેટલું વળતર અને વીમો મળે છે, અને આ માટેના નિયમો શું છે.

મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ વળતર:

વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ મુસાફરોને એરલાઇન કંપની દ્વારા વળતર આપવાની જોગવાઈ છે. આ વળતર મોન્ટ્રીયલ કન્વેન્શન, ૧૯૯૯ હેઠળ આપવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય સંધિ વિશ્વભરમાં હવાઈ મુસાફરો અને તેમના સામાનને લગતા નુકસાનના કિસ્સામાં એરલાઇનની જવાબદારી નક્કી કરવા માટે બનાવવામાં આવી હતી. ભારતે ૨૦૦૯ માં આ સંધિ અપનાવી હતી, જેથી ભારતમાંથી ઉડતી કોઈપણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ આ સંમેલન હેઠળ આવે છે.

કેટલું વળતર મળે છે?

મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ, જો કોઈ મુસાફરનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થાય છે, તો તેને એરલાઇન વતી ,૨૮,૮૨૧ SDR (સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ) નું વળતર ચૂકવવું પડે છે. આનો અર્થ લગભગ ૧.૪ કરોડ ભારતીય રૂપિયા થાય છે. SDR એ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા ઉપયોગમાં લેવાતું કૃત્રિમ ચલણ છે, જે એક વૈશ્વિક ચલણ કન્વર્ટર તરીકે કામ કરે છે. મોન્ટ્રીયલ કન્વેન્શનના નિયમો અનુસાર, આ વિમાન અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ મુસાફરોને ઓછામાં ઓછા ૧.૪ કરોડ ભારતીય રૂપિયા આપવામાં આવશે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને પણ વળતર આપવાની જોગવાઈ છે, અને જરૂર પડ્યે વળતરની રકમ વધારી પણ શકાય છે.

અલગ વીમાનો લાભ:

મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળના વળતર ઉપરાંત, જો કોઈ મુસાફર પાસે પહેલેથી જ મુસાફરી વીમો હોય, તો તેને તેનો પણ લાભ મળે છે. આવા કિસ્સાઓમાં, મુસાફરી વીમા પોલિસી હેઠળ ૨૫ લાખથી ૧ કરોડ રૂપિયા સુધીનું આકસ્મિક મૃત્યુ કવરેજ મળી શકે છે. જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થાય છે, તો તેને ૫-૧૦ લાખ રૂપિયા મળે છે, અને હોસ્પિટલમાં દાખલ થવા માટે દૈનિક ભથ્થું પણ ઉપલબ્ધ હોય છે.

શું સરકાર પણ વળતર આપે છે?

વિમાન અકસ્માતોમાં સામાન્ય રીતે સરકાર સીધી રીતે વળતર આપતી નથી. આવા કિસ્સાઓમાં, વળતરની જવાબદારી સંપૂર્ણપણે એરલાઇન કંપનીની હોય છે. જોકે, જો કોઈ દુર્ઘટના ખૂબ મોટા પાયે હોય અને તેને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જોઈ શકાય, તો સરકાર પીડિતો અને તેમના આશ્રિતો માટે અલગથી વળતરની જાહેરાત કરી શકે છે. હાલમાં અમદાવાદની દુર્ઘટનામાં સરકાર દ્વારા સીધા વળતર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.