AI based toll system India: જો તમે હાઈવે પર મુસાફરી કરતી વખતે ટોલ પ્લાઝા (Toll Plaza) પર લાગતી લાંબી લાઈનો અને ટ્રાફિક જામથી કંટાળી ગયા હોવ, તો કેન્દ્ર સરકાર તમારા માટે એક મોટા સમાચાર લાવી છે. ફાસ્ટેગ (FASTag) આવ્યા બાદ ભલે રોકડ વ્યવહાર બંધ થયો હોય, પરંતુ ઘણીવાર ટેકનિકલ ખામી કે સ્કેનિંગમાં વાર લાગવાને કારણે વાહનોની લાઈનો તો લાગે જ છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ સંસદમાં એક ક્રાંતિકારી જાહેરાત કરી છે. સરકાર હવે દેશભરમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ટોલ વસૂલાત સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે.
શું છે નવી 'મલ્ટી-લેન ફ્રી ફ્લો' સિસ્ટમ?
સરકાર 2026 ના અંત સુધીમાં મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ (MLFF) લાગુ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ સિસ્ટમમાં પરંપરાગત ટોલ બૂથ અને બેરિકેડ્સને હટાવી દેવામાં આવશે. તેના બદલે હાઈવે પર ચોક્કસ અંતરે હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને સેન્સર સાથેના 'ગેન્ટ્રી' (રોડની ઉપર લાગેલા મોટા થાંભલા) લગાવવામાં આવશે.
જ્યારે તમારી કાર આ પોઈન્ટ નીચેથી પસાર થશે, ત્યારે AI કેમેરા ચાલુ ગાડીએ જ તમારી નંબર પ્લેટ (Number Plate) રીડ કરી લેશે અને ફાસ્ટેગ ડેટાબેઝ સાથે મેચ કરીને તમારા ખાતામાંથી ટોલના પૈસા આપોઆપ કપાઈ જશે. સરકારનો દાવો છે કે 80 km/h ની ઝડપે જતી ગાડીને પણ આ સિસ્ટમ સરળતાથી ડીટેક્ટ કરી શકશે, એટલે કે તમારે ગાડી ધીમી કરવાની કે રોકવાની કોઈ જરૂર રહેશે નહીં.
ફાસ્ટેગનું શું થશે?
ઘણા વાહનચાલકોના મનમાં પ્રશ્ન છે કે શું ફાસ્ટેગ બંધ થઈ જશે? તો જવાબ છે - ના. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ફાસ્ટેગને તબક્કાવાર બંધ કરવામાં આવશે નહીં. નવી AI સિસ્ટમ શરૂઆતમાં ફાસ્ટેગ ડેટાબેઝ અને GPS ટેકનોલોજી ના સહારે જ કામ કરશે, તેથી તમારે તાત્કાલિક કોઈ નવો ટેગ લગાવવાની જરૂર નથી.
શા માટે લેવાયો આ નિર્ણય?
દેશમાં નેશનલ હાઈવેનું નેટવર્ક વધી રહ્યું છે અને સાથે વાહનોની સંખ્યા પણ. જૂના ટોલ મોડેલમાં ઇંધણ અને સમયનો બગાડ થાય છે. નવી સિસ્ટમથી સામાન્ય જનતાનો મુસાફરી સમય બચશે અને વારંવાર બ્રેક મારવા અને શરૂ થવાને કારણે થતા ઇંધણ ખર્ચમાં પણ ઘટાડો થશે. બીજી તરફ, સરકારને ટોલ ચોરી (લીકેજ) અટકાવવામાં મદદ મળશે અને આવકમાં વધારો થશે, જેનો ઉપયોગ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે થશે.
ગોપનીયતા અને અમલીકરણ કેમેરા અને ટ્રેકિંગને કારણે લોકોમાં પ્રાઈવસીની ચિંતા છે, પરંતુ સરકારે ખાતરી આપી છે કે ડેટા સુરક્ષિત સર્વર પર રહેશે અને તેનો ઉપયોગ માત્ર ટોલ વસૂલાત માટે જ થશે. આ યોજના પહેલા કેટલાક પસંદગીના હાઈવે કોરિડોર પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થશે અને ત્યારબાદ 2026 સુધીમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.