• ટોક્યો-દિલ્હી ફ્લાઇટ AI357 નું કોલકાતા પર ઈમર્જન્સી લેન્ડિંગ, AC ખામીના કારણે કેબિનમાં ગરમી વધી અને મુસાફરોમાં ગભરાટ.
  • બોઇંગ 787 વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટ divert કરાઈ, રવિવાર, 29 જૂને બપોરે 3:33 વાગ્યે સુરક્ષિત રીતે ઉતારવામાં આવી.
  • એર ઇન્ડિયાએ ખામીની તાત્કાલિક તપાસ શરૂ કરી, કોલકાતામાં એરક્રાફ્ટના AC સિસ્ટમની સમીક્ષા ચાલી રહી છે.
  • મુસાફરોની માટે વૈકલ્પિક યાત્રાની વ્યવસ્થા, એરલાઇન દ્વારા થયેલી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો.
  • એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફ મુસાફરોની અસુવિધા ઓછા કરવા માટે સક્રિય, સુરક્ષા નિયમો હેઠળ સમયસર નિર્ણય લેવામાં આવ્યો.

Air India emergency landing: એર ઇન્ડિયાની ટોક્યોના હનેડાથી દિલ્હી જતી ફ્લાઇટ AI357 માં ટેકનિકલ ખામી સર્જાતા તેને કોલકાતા તરફ વાળવામાં આવી હતી. આ બોઇંગ 787 (VT-ANI) વિમાનના એર કન્ડીશનર (AC) માં સમસ્યા ઉભી થતા, કેબિનનું તાપમાન વધવા લાગ્યું હતું, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, પાયલોટે વિમાનને કોલકાતા એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવાનો નિર્ણય લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI357 રવિવારે (જૂન 29, 2025) ભારતીય સમય મુજબ બપોરે 12.31 વાગ્યે ટોક્યો હનેડાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. જોકે, AC માં ખામી સર્જાતા, ફ્લાઇટ બપોરે 3.33 વાગ્યે કોલકાતામાં સફળતાપૂર્વક ઉતરી હતી.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ આ ઘટના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, "રવિવાર (જૂન 29, 2025) ના રોજ હનેડાથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI357 ને, ફ્લાઇટ કેબિનના ગરમ તાપમાનને કારણે સાવચેતીના ભાગરૂપે કોલકાતા તરફ વાળવામાં આવી હતી. ફ્લાઇટ કોલકાતા એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગઈ છે."

પ્રવક્તાએ ઉમેર્યું કે, "વિમાનના AC માં ખામીની કોલકાતામાં તપાસ કરવામાં આવી રહી છે. કોલકાતામાં અમારા બધા ગ્રાઉન્ડ સાથીઓ આ ડાયવર્ઝનને કારણે મુસાફરોને થતી મુશ્કેલી અને અસુવિધાને ઘટાડવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં રોકાયેલા છે." એરલાઇન દ્વારા મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે દિલ્હી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરલાઇને ટેકનિકલ ખામી અને ડાયવર્ઝનને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.